પર્થની ગ્રીન મૉન્સ્ટર પિચ પર પહેલા જ દિવસે ૧૯ વિકેટ પડી

22 November, 2025 07:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ ૧૭૨ રનમાં ઑલઆઉટ, ઑસ્ટ્રેલિયાએ ૧૨૩ રન કરીને ગુમાવી ૯ વિકેટ : મિચલ સ્ટાર્કે ૭ અને બેન સ્ટોક્સે પાંચ વિકેટ ઝડપી

મિચલ સ્ટાર્કે આક્રમક બોલિંગ કરીને ૭ વિકેટ લીધી હતી, ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે પાંચ વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની ૭૪મી ઍશિઝ ટેસ્ટ-સિરીઝની ગઈ કાલે ધમાકેદાર શરૂઆત થઈ હતી. પર્થમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર મહેમાન ટીમ ઇંગ્લૅન્ડે ૩૨.૫ ઓવરમાં ૧૭૨ રને તમામ વિકેટ ગુમાવી હતી. એ પછી ઑસ્ટ્રેલિયાએ પણ ૩૯ ઓવરની રમતમાં ૧૨૩ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી. 

ઇંગ્લૅન્ડે નવમી ઓવરમાં ૩૯ રનમાં ૩ વિકેટ ગુમાવી ત્યારે ચોથી વિકેટ માટે ઑલી પોપ અને હૅરી બ્રૂકે ૬૮ બૉલમાં પંચાવન રનની ભાગીદારી કરી હતી. હૅરી બ્રૂકે પાંચ ફોર અને એક સિક્સરના આધારે ૬૧ બૉલમાં મહત્ત્વપૂર્ણ બાવન રન ફટકાર્યા હતા. ઑલી પોપે ૫૮ બૉલમાં ૪ ફોરની મદદથી ૪૬ રનની ઇનિંગ્સ રમી હતી. વિકેટકીપર બૅટર જેમી સ્મિથે બાવીસ બૉલમાં ૬ ફોરના આધારે ફટકારેલા ૩૩ રન પણ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયા હતા. 

ઑસ્ટ્રેલિયાના મુખ્ય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે પહેલી ઓવરથી જ તરખાટ મચાવ્યો હતો. તેણે ૧૨.૫ ઓવરમાંથી ૪ ઓવર મેઇડન ફેંકીને ૫૮ રન આપ્યા હતા. ૭ વિકેટ લઈને મિચલ સ્ટાર્કે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. 

ઑસ્ટ્રેલિયાની બૅટિંગ સમયે પણ પર્થની ગ્રીન મૉન્સ્ટર કહેવાતી પિચ પર ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર્સને સારી ગતિ અને બાઉન્સ મળ્યો હતો. ફાસ્ટ બોલર્સ જોફ્રા આર્ચર અને બ્રાયન કાર્સે બે-બે વિકેટ લઈને યજમાન ટીમના ટૉપ ફોર બૅટરને પૅવિલિયન મોકલ્યા હતા. ત્યાર બાદની પાંચેય વિકેટ કૅપ્ટન બેન સ્ટોક્સને મળી હતી. તેણે ૬ ઓવરમાં માત્ર ૨૩ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. 

ઑસ્ટ્રેલિયા માટે વિકેટકીપર બૅટર ઍલેક્સ કૅરીએ ૨૬ રન, કૅમરન ગ્રીને ૨૪ રન અને ટ્રૅવિસ હેડે ૨૧ રન કર્યા હતા. 

19
આટલી વિકેટ પડી ઍશિઝ ટેસ્ટ-મૅચના ઓપનિંગ-ડે પર. ૧૯૦૯માં મૅન્ચેસ્ટરમાં પહેલા દિવસે પડેલી ૨૦ વિકેટ બાદ બીજો સૌથી વધુ વિકેટનો રેકૉર્ડ.

જો રૂટને આઉટ કરીને મિચલ સ્ટાર્કે ઍશિઝમાં ૧૦૦ વિકેટ પૂરી કરી 
ઇંગ્લૅન્ડનો સ્ટાર બૅટર જો રૂટ ગઈ કાલે ૭ બૉલમાં ઝીરો પર કૅચઆઉટ થયો હતો. મિચલ સ્ટાર્કે તેની વિકેટ લઈને ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં પોતાની ૧૦૦ વિકેટ પૂરી કરી હતી. 
તે ઍશિઝમાં આવું કરનાર પહેલો લેફ્ટ-આર્મ પેસર બન્યો હતો. તેણે ૫૮ રન આપી ૭ વિકેટ લઈને પોતાની ટેસ્ટ-કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું. આ પહેલાં જુલાઈ ૨૦૨૫માં તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ૯ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી.

ઉસ્માન ખ્વાજાને ઓપનિંગ કરતાં કેમ રોકવામાં આવ્યો?
ઑસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ઉસ્માન ખ્વાજાને ખાસ નિયમને કારણે પ્રથમ ઍશિઝ ટેસ્ટ-મૅચમાં ઇનિંગ્સ ઓપન કરવાથી રોકવામાં આવ્યો હતો. ઇંગ્લૅન્ડની બૅટિંગ સમયે ઉસ્માન ખ્વાજા લગભગ ૩૦ મિનિટ માટે મેદાનની બહાર હતો. નિયમો અનુસાર જો કોઈ ખેલાડી ફીલ્ડિંગ સમયે ૮ મિનિટથી વધુ સમય માટે મેદાનની બહાર હોય તો તેને પોતાની બૅટિંગ સમયે એટલા જ સમય માટે બૅટિંગ કરવાની પરવાનગી મળતી નથી. તે ૩૦ મિનિટ મેદાનથી બહાર હોવાથી તેને કાંગારૂ ટીમની ૩૦ મિનિટની બૅટિંગ બાદ જ રમવાની તક મળી. આ નિયમિત ઓપનર ચોથા ક્રમે રમ્યો પરંતુ ૬ બૉલમાં બે રન કરીને કૅચઆઉટ થયો હતો.

૪૩ વર્ષ બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટને ઍશિઝમાં આ‌ૅસ્ટ્રેલિયાની ધરતી પર લીધી પાંચ વિકેટ 
ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે ફાસ્ટ બોલર તરીકે ગઈ કાલે ટ્રૅવિસ હેડ, કૅમરન ગ્રીન, ઍલેક્સ કૅરી, મિચલ સ્ટાર્ક અને સ્કૉટ બૉલૅન્ડની વિકેટ ઝડપી હતી. ઍશિઝ ટેસ્ટ-સિરીઝના ઇતિહાસમાં ૪૩ વર્ષના ઇંગ્લૅન્ડના કૅપ્ટને ઑસ્ટ્રેલિયામાં એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી છે. ઑસ્ટ્રેલિયામાં તે આવું કરનાર ઇંગ્લૅન્ડનો પાંચમો કૅપ્ટન બન્યો હતો. છેલ્લે ૧૯૮૨માં કૅપ્ટન અને ફાસ્ટ બોલર બૉબ વિલિસે ધ ગૅબા ટેસ્ટ-મૅચમાં ૬૬ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. 

પહેલી વાર બન્ને ટીમે ઝીરો પર વિકેટ ગુમાવી 
ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વખત ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયાએ પોતાની ઇનિંગ્સની શરૂઆતમાં ઝીરો પર પહેલી વિકેટ ગુમાવી હતી. ઓવરઑલ આ આઠમી ઘટના છે. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૧માં ચેન્નઈમાં ભારત-ઇંગ્લૅન્ડની ટેસ્ટ-મૅચમાં આ ઘટના બની હતી.

cricket news ashes test series australia england sports news sports