16 October, 2025 11:02 AM IST | London | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર, સ્ટુઅર્ટ બ્રૉડ
ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પરંપરાગત ઍશિઝ સિરીઝ ૨૧ નવેમ્બરથી શરૂ થવાની છે, પણ એ પહેલાં હરહંમેશ પ્રમાણે બન્ને ટીમો વચ્ચે માઇન્ડ-ગેમ શરૂ થઈ ગઈ છે. ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરે આ ઍશિઝ સિરીઝ કાંગારૂ ટીમ ૪-૦થી જીતશે એવી આગાહી કરતાં અત્યાર સુધી શાંત રહેલા વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. વૉર્નરે કહ્યું હતું કે ઇંગ્લૅન્ડનો બાઝબૉલ અપ્રોચ જરાય સફળ નહીં થાય અને ઑસ્ટ્રેલિયન ટીમ પાંચમાંથી ચાર ટેસ્ટ જીતી લેશે. એકાદ મૅચ ડ્રૉ રહેશે અથવા તો જો કૅપ્ટન પૅટ કમિન્સ નહીં રમે તો ઇંગ્લૅન્ડ એ જીતવામાં સફળ રહેશે. વૉર્નરને વળતો જવાબ આપતાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ પેસબોલર સ્ટુઅર્ટ બ્રૉડે ઑસ્ટ્રેલિયન ટીમને છેલ્લાં ૧૫ વર્ષની સૌથી નબળી ટીમ ગણાવી હતી. બ્રૉડે એક પૉડકાસ્ટ દરમ્યાન કહ્યું હતું કે ’મારા ખ્યાલથી કદાચ ૨૦૧૦ કે જ્યારે છેલ્લે ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયામાં જીત્યું હતું ત્યાર બાદની આ સૌથી નબળી કાંગારૂ ટીમ છે અને ત્યાર બાદ સૌથી બેસ્ટ ઇંગ્લૅન્ડની ટીમ છે. આ મારો મત નથી પણ વાસ્તવિકતા છે. ઑસ્ટ્રેલિયાના પ્લાન અને અપ્રોચમાં નિરંતરતા નથી. ૨૦૧૦માં તેઓ ખૂબ મૂંઝાયેલા હતા અને અત્યારે પણ એવા જ લાગી રહ્યા છે. આ સિરીઝમાં ઇંગ્લૅન્ડ બેસ્ટ પર્ફોર્મન્સ કરે અને ઑસ્ટ્રેલિયા સૌથી નબળું સાબિત થાય એવી પૂરેપૂરી સંભાવના છે.’
૨૦૧૦માં ઍન્ડ્રુ સ્ટ્રૉસની કૅપ્ટનસીમાં માઇકલ ક્લાર્કની કાંગારૂ ટીમને ૩-૧થી માત આપી હતી. જોકે ત્યાર બાદ ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ પણ નથી જીતી શક્યું.