04 December, 2025 10:16 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં એક અઠવાડિયાના વિરામ બાદ આજથી બ્રિસ્બેનના ધ ગૅબા સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. પાંચ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ ધરાવનાર યજમાન ટીમ ઑસ્ટ્રેલિયા આ ડે-નાઇટ ટેસ્ટ-મૅચમાં પિન્ક બૉલથી તરખાટ મચાવવા તૈયાર છે. ટેસ્ટ-ઇતિહાસમાં આ પચીસમી અને ઍશિઝની આ ચોથી પિન્ક બૉલ ટેસ્ટ-મૅચ બનશે.
ઑસ્ટ્રેલિયા પોતાની ૧૪ પિન્ક બૉલ ટેસ્ટ-મૅચમાંથી ૧૩ જીત્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં કાંગારૂઓને ધ ગૅબા સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પિન્ક બૉલ ટેસ્ટ-મૅચની એકમાત્ર હાર મળી હતી. ઇંગ્લૅન્ડ પોતાની સાતમાંથી પાંચ પિન્ક બૉલ ટેસ્ટ-મૅચ હારી ચૂક્યું છે. પિન્ક બૉલ ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ૧૪ મૅચમાં ૮૧ વિકેટ લઈ ચૂક્યો છે, જ્યારે કાંગારૂ બૅટર માર્નસ લુબશેને ૧૩ મૅચમાં સૌથી વધુ ૯૫૮ રન કર્યા છે.