18 September, 2025 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુમરાહ
એશિયા કપમાં ભારતીય ટીમ આવતી કાલે એની છેલ્લી લીગ મૅચ ઓમાન સામે રમશે. UAE અને પાકિસ્તાન સામેના મુકાબલાઓ જીતીને ભારતીય ટીમે સુપર-ફોર રાઉન્ડ માટે ક્વૉલિફાય કરી લીધું હોવાથી ટીમ મૅનેજમેન્ટ અમુક સિનિયર ખેલાડીઓને આરામ આપીને નવા ખેલાડીઓનો મોકો આપી શકે છે. રવિવારે મોટા ભાગે ફરી પાકિસ્તાન સામે રમવાનું હોવાથી ભારતીય ટીમ કોઈ જોખમ લેવાને બદલે મહત્ત્વપૂર્ણ ખેલાડીને ફિટ અને ફ્રેશ રાખવાનો નિર્ણય લઈ શકે છે. પ્રથમ લીગ મૅચમાં UAE જેવી ટીમ સામે બુમરાહને મેદાનમાં ઉતારાતાં ભારે ટીકા થઈ હોવાથી આવતી કાલે તેને આરામ આપવામાં આવી શકે છે.
વર્ક-લોડ મૅનેજમેન્ટના નામે ઇંગ્લૅન્ડ જેવી મહત્ત્વપૂર્ણ સિરીઝમાં માત્ર ૩ ટેસ્ટ રમનાર બુમરાહને ટીમ મૅનેજમેન્ટ UAE જેવી ટીમ સામે તો મેદાનમાં નહીં જ ઉતારે એવી ઘણા સિનિયર ખેલાડીઓએ આશા વ્યક્ત કરી હતી. અજય જાડેજાએ કટાક્ષમાં ત્યાં સુધી કહ્યું હતું કે જો બુમરાહ આ મૅચમાં રમશે તો તે હડતાળ પર ઊતરી જશે.
બુમરાહને જો આજે આરામ અપાશે તો મોટા ભાગે પેસ બોલર અર્શદીપ સિંહને મોકો મળી શકે છે. હષિર્ત રાણા પણ બીજો એક દાવેદાર છે. જોકે અર્શદીપના T20 ક્રિકેટના અનુભવને જોતાં તેના કાલે રમવાના ચાન્સ વધુ છે.