17 વર્ષ બાદ ઍડિલેડમાં ભારત સામે જીત્યું ઑસ્ટ્રેલિયા, ODI સિરીઝ 2-0 થી નામે કરી કાંગારૂઓએ

23 October, 2025 06:39 PM IST  |  Adelaide | Gujarati Mid-day Online Correspondent

અગાઉ, રોહિતની આસપાસ વિકેટો પડી રહી હતી ત્યારે તે મજબૂત રીતે ઊભો રહ્યો. જૉશ હેઝલવુડે ૧૦ ઓવરમાં ૦/૨૯ રન આપ્યા. રોહિતે મિશેલ ઓવેન સામે બાઉન્ડ્રી સાથે લય મેળવતા પહેલા સતત ૧૭ ડોટ બૉલ પણ રમ્યા. જોકે સ્ટાર્કના બૉલ પર તે આઉટ થયો.

ઑસ્ટ્રેલિયા સામે મૅચ દરમિયાન કૅચ છોડ્યા બાદ ભારતના મોહમ્મદ સિરાજની પ્રતિક્રિયા (તસવીર: એજન્સી)

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રોહિત શર્માના 73 રનની શાનદાર ઇનિંગ છતાં ભારત ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે બીજી ODI મૅચ બે વિકેટથી હારી ગયું હતું. ભારતની આ હારથી કંગારુઓને ત્રણ મૅચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મળી છે. આ પરિણામથી ફરી એકવાર ભારતના સાબિત મૅચવિનર કુલદીપ યાદવને બાકાત રાખવાના નિર્ણય પર પ્રશ્નો ઉભા થયા છે. ભારત હવે ૨૫ ઑક્ટોબરે સિડનીમાં ત્રીજી અને અંતિમ ODI માટે રવાના થશે.

ઍડિલેડ ઓવલની પિચ પર, રોહિતની 73 રનની ઇનિંગ્સ સાથે ભારતીય ટીમ 9 વિકેટે 264 રનનો સ્કોર કરવામાં સફળ રહી. આ સામે ઑસ્ટ્રેલિયાને પણ ભારતીય સ્પિનરો સામે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરંતુ કૂપર કોનોલી 53 બૉલમાં અણનમ 61 અને મિશેલ ઓવેન 23 બૉલમાં 36 ની ફટકારબાજીને લીધે તેઓ 46.2 ઓવરમાં જ જીત મેળવી લેવામાં સફળ રહ્યા. આ બન્ને ખેલાડીઓએ ફક્ત 6.3 ઓવરમાં 59 રનની ઝડપી ભાગીદારી કરીને રમતને સીલ કરી દીધી અને ઑસ્ટ્રેલિયાની ત્રણ વનડે સિરીઝની હારનો સિલસિલો સમાપ્ત કરી દીધો. કાનપુરમાં તાજેતરમાં `A` સિરીઝનો ભાગ રહેલા કોનોલીએ તેના શાંત ફિનિશિંગથી ઘણા લોકોને માઈકલ બેવનની યાદ અપાવી. "...ઑસ્ટ્રેલિયન ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે," વિજય પછી ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિશેલ માર્શે કહ્યું.

કઈ ભૂલો ભારતને ભારે પડી

નીતીશ કુમાર રેડ્ડીને ઓલરાઉન્ડર તરીકે આગળ કરવાનો ભારતનો દાવ ઉલટો પડ્યો. નંબર 8 પર બૅટિંગ કરતા, રેડ્ડીએ 10 બૉલમાં ફક્ત 8 રન જ બનાવ્યા અને ત્રણ ઓવરમાં 24 રન આપ્યા. ભારતની મુશ્કેલીમાં વધારો કરતા, અક્ષર પટેલે મેથ્યુ શોર્ટ (74) નો સરળ કૅચ છોડી દીધો, જેણે ઑસ્ટ્રેલિયાની જીતનો પાયો મજબૂત કર્યો. આ સાથે મોહમ્મદ સિરાજે પણ એક કૅચ છોડ્યો હતો. કૅપ્ટન શુભમન ગિલે સ્વીકાર્યું, "જ્યારે તમે બે કૅચ છોડો છો ત્યારે તે સ્કોરનો બચાવ કરવો ક્યારેય સરળ નથી." છતાં, કુલદીપ યાદવની ગેરહાજરીએ ભારતને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. સ્પિનરો - અક્ષર પટેલ (૧/૫૨) અને વૉશિંગ્ટન સુંદર (૨/૩૭) - એ સારી બૉલિંગ કરી, પરંતુ મિશેલ ઓવેને હર્ષિત રાણા (૨/૫૯) પર ઍટેક શરૂ કર્યો ત્યારે ઑસ્ટ્રેલિયાના જીતની સંભાવના વધુ મજબૂત બની.

રોહિત હિટ તો કોહલી ફરી ફ્લૉપ

અગાઉ, રોહિતની આસપાસ વિકેટો પડી રહી હતી ત્યારે તે મજબૂત રીતે ઊભો રહ્યો. જૉશ હેઝલવુડે ૧૦ ઓવરમાં ૦/૨૯ રન આપ્યા. રોહિતે મિશેલ ઓવેન સામે બાઉન્ડ્રી સાથે લય મેળવતા પહેલા સતત ૧૭ ડોટ બૉલ પણ રમ્યા. જોકે સ્ટાર્કના બૉલ પર તે આઉટ થયો. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનો સંઘર્ષ ચાલુ રહ્યો કારણ કે તે બીજી મૅચમાં પણ શૂન્ય પર આઉટ થયો.

australia indian cricket team adelaide oval cricket news rohit sharma shubman gill virat kohli mitchell marsh mitchell starc