કાંગારૂઓની ઘરઆંગણે સૌથી મોટી વન-ડે જીત, સાઉથ આફ્રિકાને મળી વન-ડેની સૌથી કારમી હાર

26 August, 2025 07:00 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

રેકૉર્ડ ૧૮ સિક્સર સાથે ઘરઆંગણે હાઇએસ્ટ સ્કોર કરીને ક્લીન સ્વીપથી બચ્યા, પહેલી વખત એક વન-ડે ઇનિંગ્સમાં ત્રણ આૅસ્ટ્રેલિયન બૅટરોએ ફટકારી સદી

ટ્રૅવિસ હેડે ૧૪૨ રન ફટકાર્યા હતા, મિચલ માર્શે ૧૦૦ રન ફટકાર્યા હતા, કૅમરન ગ્રીને ૧૧૮ રન ફટકાર્યા હતા.

ત્રીજી વન-ડેમાં આૅસ્ટ્રેલિયાએ બે વિકેટે ૪૩૧ રન ફટકાર્યા, સાઉથ આફ્રિકા ૨૪.૫ ઓવરમાં ૧૫૫ રને આૅલઆઉટ

સાઉથ આફ્રિકાએ ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ૨-૧ની જીતથી સંતોષ માનવો પડ્યો છે. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ મૅક્કે સિટીમાં આયોજિત ત્રીજી વન-ડે મૅચમાં ૨૭૬ રનની રેકૉર્ડ જીત નોંધાવી હતી. ઑસ્ટ્રેલિયાએ ત્રણ સદીની મદદથી માત્ર બે વિકેટના નુકસાન સાથે ૪૩૧ રન ફટકારી દીધા હતા. એ ઘરઆંગણે તેમનો હાઇએસ્ટ વન-ડે સ્કોર છે. ઑસ્ટ્રેલિયા સામે સળંગ પાંચમી વન-ડે સિરીઝ જીતનાર સાઉથ આફ્રિકા ૨૪.૫ ઓવરમાં માત્ર ૧૫૫ રને ઑલઆઉટ થયું હતું.

૨૭૬ રનની હાર સાથે સાઉથ આફ્રિકાને ભારત સામે વર્ષ ૨૦૨૩માં ઈડન ગાર્ડન્સમાં મળેલી ૨૪૩ રનની કારમી વન-ડે હારનો રેકૉર્ડ તૂટ્યો છે. ઑસ્ટ્રેલિયાની ૨૭૬ રનની આ ઘરઆંગણેની સૌથી મોટી વન-ડે જીત છે. ઓવરઑલ સૌથી મોટી જીત તેમને વર્ષ ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ સમયે દિલ્હીમાં નેધરલૅન્ડ્સ સામે ૩૦૯ રને મળી હતી.

ઑસ્ટ્રેલિયા માટે કૅપ્ટન્સી કરતાં પહેલી વાર ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરનાર મિચલ માર્શ (૧૦૬ બૉલમાં ૧૦૦ રન)એ સાથી ઓપનર ટ્રૅવિસ હેડ (૧૦૩ બૉલમાં ૧૪૨ રન) સાથે ૨૦૫ બૉલમાં ૨૫૦ રનની ભાગીદારી કરી હતી. ૪૭ બૉલમાં પોતાની પહેલી વન-ડે સદી ફટકારનાર કૅમરન ગ્રીન (૫૫ બૉલમાં ૧૧૮ રન)એ ત્રીજી વિકેટ માટે ઍલેક્સ કૅરી (૩૭ બૉલમાં ૫૦ રન) સાથે ૮૨ બૉલમાં ૧૬૪ રનની અણનમ પાર્ટનરશિપ કરી હતી. પહેલી વાર ઑસ્ટ્રેલિયન બૅટર્સે એક વન-ડે ઇનિંગ્સમાં ૧૫૦+ પ્લસ રનની બે ભાગીદારી કરી હતી. ઘરઆંગણેની વન-ડેમાં હાઇએસ્ટ ૧૮ સિક્સર મારનાર ઑસ્ટ્રેલિયન ટીમ માટે પહેલી વાર એક વન-ડે ઇનિંગ્સમાં ત્રણ બૅટર્સે સદી ફટકારી હતી. પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલો સ્પિનર કેશવ મહારાજ (૫૭ રનમાં એક વિકેટ) જ સાઉથ આફ્રિકા માટે બોલિંગમાં પ્રભાવશાળી રહ્યો હતો. 

south africa australia t20 cricket news sports news sports travis head mitchell marsh