ભારત સામે ૧૦ વિકેટે ટેસ્ટ-મૅચ જીતીને કાંગારૂ મહિલાઓ ૧૨-૪ની લીડ સાથે મ​લ્ટિ-ફૉર્મેટ સિરીઝની વિજેતા બની

09 March, 2026 02:05 PM IST  |  Perth | Gujarati Mid-day Correspondent

ભારતે બીજી ઇનિંગ્સમાં ૧૪૯ રનનો સ્કોર કરીને માત્ર પચીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો, ઑસ્ટ્રેલિયાએ ૪.૩ ઓવરમાં ૨૯ રન કરીને સરળ જીત નોંધાવી

મ​લ્ટિ-ફૉર્મેટ સિરીઝની ટ્રોફી સાથે ઍલિસા હીલી અન્ય ઑસ્ટ્રેલિયન મહિલા પ્લેયર્સ

ભારત સામે ૧૦ વિકેટે ટેસ્ટ-મૅચ જીતીને યજમાન ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે મ​લ્ટિ-ફૉર્મેટ સિરીઝ ૧૨-૪ પૉઇન્ટથી પોતાને નામે કરી હતી. ભારતે T20 સિરીઝ ૨-૧થી જીતી એ પછી કાંગારૂઓ સામે ૦-૩થી વન-ડે સિરીઝમાં કારમી હાર મળી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૯૮ રન કર્યા બાદ ભારતે બીજી ઇનિંગ્સમાં ૪૮.૨ ઓવરમાં ૧૪૯ રને ઑલઆઉટ થઈને માત્ર પચીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૨૩ રન કરનાર કાંગારૂઓએ ૪.૩ ઓવરમાં ૨૯ રન કરીને સરળ જીત નોંધાવી હતી.

ત્રીજા દિવસે ભારતે ત્રીસમી ઓવરમાં ૧૦૫/૬ના સ્કોરથી પોતાની બીજી ઇનિંગ્સ આગળ વધારી હતી. પ્રતીકા રાવલ ભારત માટે ૧૩૭ બૉલમાં ૮ ફોરની મદદથી ૬૩ રન કરીને ભારતને ૧૪૯ રનના સ્કોર સુધી લઈ ગઈ હતી. સ્નેહ રાણાએ ૫૪ બૉલમાં ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઇનિંગ્સમાં પેસ બોલર લ્યુસી હૅમિલ્ટને ૮ ઓવરમાં ૩૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. પેસ બોલર ઍનાબેલ સધરલૅન્ડ સહિત સ્પિનર અલાના કિંગ અને ઍશ્લી ગાર્ડનર જેવી સ્પિનર્સને ૨-૨ સફળતા મળી હતી.

પચીસ રનના મામૂલી ટાર્ગેટને કાંગારૂ ઓપનર્સ જ્યૉર્જિયા વૉલે ૧૩ બૉલમાં ૧૬ રન અને ફીબી લિચફીલ્ડે ૧૪ બૉલમાં ૧૧ રન કરીને વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કરી લીધો હતો. ટેસ્ટ-મૅચમાં ૧૨૯ રન કરવાની સાથે ૬ વિકેટ લેનાર ઑલરાઉન્ડર ઍનાબેલ સધરલૅન્ડ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. તેને પ્લેયર ઑફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવી હતી.

ઍલિસા હીલીની ૧૬ વર્ષની ક્રિકેટ ઇન્ટરનૅશનલ કરીઅરનો સુખદ અંત

૩૫ વર્ષની વિકેટકીપર-બૅટર અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલિસા હીલીની લગભગ ૧૬ વર્ષની ઇન્ટરનૅશનલ-કરીઅર વિજય સાથે સમાપ્ત થઈ હતી. ફૅરવેલ મૅચ બાદ તેણે ટેસ્ટ-ક્રિકેટના લાંબા જીવનની પ્રાર્થના કરી હતી. ૧૧ ટેસ્ટ-મૅચમાં તેણે ૩ ફિફ્ટીના આધારે ૫૦૨ રન કર્યા છે. ૧૨૬ વન-ડેમાં ૮ સદી અને ૧૯ ફિફ્ટીની મદદથી તેણે ૩૭૭૭ રન અને ૧૬૨ T20 મૅચમાં કાંગારૂઓ માટે ૧ સદી અને ૧૭ ફિફ્ટીના આધારે ૩૦૫૪ રન કર્યા છે.

પૂલ અને વિશાળ વૉટર-સ્લાઇડ્સ સાથે WACAના સ્ટેડિયમને મળી નવી ઓળખ

ભારત અને ઑસ્ટ્રેલિયાની એકમાત્ર ટેસ્ટ-મૅચ દરમ્યાન પર્થના વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિએશન (WACA)માં નવા બનેલા સ્પ્લેશ પાર્કનું સૉફ્ટ લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. માત્ર ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ દર્શકોવાળા આ સ્ટેડિયમને આઉટડોર પૂલ અને વિશાળ વૉટર-સ્લાઇડ્સ સાથે નવી ઓળખ મળી છે. ટેસ્ટ-મૅચ દરમ્યાન ઑસ્ટ્રેલિયન પ્લેયર્સે પણ વૉટર -સ્લાઇડ્સનો આનંદ માણીને ગરમીમાંથી રાહત મેળવી હતી. રમત દરમ્યાન ક્રિકેટ-ફૅન્સ પણ પૂલમાં રહીને મૅચનો આનંદ માણતા જોવા મળ્યા હતા. 

indian womens cricket team india team india australia cricket news sports sports news