25 October, 2025 09:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગ્લેન મૅક્સવેલ
ઑસ્ટ્રેલિયાનો પ્રભાવશાળી ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ હાથના કાંડાના ફ્રૅક્ચરમાંથી સ્વસ્થ થયા બાદ ભારત સામેની T20 સિરીઝથી વાપસી કરવા માટે તૈયાર છે. ગઈ કાલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ અંતિમ વન-ડે અને પાંચ મૅચની T20 સિરીઝ માટે સ્ક્વૉડમાં કેટલાક ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. ભારત સામેની આગામી રમતો માટે કુલ ૯ ફેરફાર કરવામાં આવ્યા છે.
સ્ટાર બૅટર માર્નસ લબુશેનને શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટમાં રમવાનું હોવાથી વન-ડે સ્ક્વૉડમાંથી બહાર કરવામાં આવ્યો છે. યંગ બૅટર કૅમરન ગ્રીનના સ્થાને લબુશેનને સ્થાન મળ્યું હતું, પણ તેને એક પણ મૅચ રમવા મળી નહોતી. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર જૅક એડવર્ડ્સ અને ડાબોડી સ્પિનર મૅટ કુહનેમૅનને અંતિમ વન-ડે માટે સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
ડોમેસ્ટિક ટુર્નામેન્ટ શેફીલ્ડ શીલ્ડના કમિટમેન્ટને કારણે ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને બોલિંગ ઑલરાઉન્ડર શૉઁ અબૉટ અનુક્રમે પ્રથમ, બીજી અને ત્રીજી T20 મૅચ સુધી જ ઉપલબ્ધ રહેશે. ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ (ત્રીજીથી પાંચમી મૅચ), ફાસ્ટ બોલર બેન દ્વાશસ (અંતિમ બે મૅચ), વિકેટકીપર-બૅટર જોશ ફિલિપ (આખી સિરીઝ) અને ફાસ્ટ બોલર માહલી બિઅર્ડમૅન (ત્રીજીથી પાંચમી મૅચ)ને T20 સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.