08 April, 2026 12:41 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન ડેવિડ વૉર્નર ડ્રાઇવિંગના નિયમોનું ઉલ્લઘંન કરીને મુશ્કેલીમાં મુકાયો છે. રવિવારે સિડનીમાં દારૂ પીને ગાડી ચલાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસ રૅન્ડમ બ્રેથ-ટેસ્ટિંગ કરી રહી હતી. ૩૯ વર્ષના ડેવિડ વૉર્નરનું દારૂનું સ્તર કાનૂની મર્યાદા કરતાં બમણું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ-સ્ટેશનમાં તેનું દારૂનું સ્તર ૦.૧૦૪ હોવાનું જાણવા મળ્યું હતું. દારૂ પીને વાહન ચલાવવા બદલ ફીલ્ડ કોર્ટમાં સુનાવણી માટે હાજર થવા નોટિસ આપવામાં આવી છે. તેણે આગામી મે મહિનાની ૭ તારીખે ડાઉનિંગ સેન્ટર સ્થાનિક કોર્ટમાં હાજર રહેવું પડશે. આ વિવાદ વિશે તેણે કે તેની ફૅમિલીએ હજી સુધી કોઈ ઑફિશ્યલ નિવેદન આપ્યું નથી.
૨૬માર્ચથી ૩ મે વચ્ચે રમાઈ રહેલી પાકિસ્તાન સુપર લીગમાં ડેવિડ વૉર્નર રમી રહ્યો છે. તે કરાચી કિંગ્સનો કૅપ્ટન છે. લીગની શરૂઆતની ત્રણેય મૅચ જીતીને તેની ટીમ ૮ ટીમ વચ્ચે પૉઇન્ટ-ટેબલમાં બીજા ક્રમે છે. ડેવિડ વૉર્નર તેની ટીમ સાથે બે એપ્રિલે રમ્યો હતો અને આગામી મૅચ ૯ એપ્રિલે હોવાથી તે પોતાના વતન પાછો ગયો હતો.