નિવૃત્તિ પહેલાં ભારતની ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતવા ઇચ્છે છે નૅથન લાયન

02 July, 2025 10:49 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

૩૭ વર્ષના ઑફ-સ્પિનર ​​​​નૅથન લાયને ઑસ્ટ્રેલિયા માટે ૧૩૮ ટેસ્ટ-મૅચમાં ૫૫૬ વિકેટ લીધી છે. તેણે ભારત સામે ૩૨ ટેસ્ટમાં ૧૩૦ વિકેટ લીધી છે, પરંતુ ભારતમાં ક્યારેય ટેસ્ટ-સિરીઝ જીતી શક્યો નથી.

​​નૅથન લાયન

ઑસ્ટ્રેલિયાના મહાન સ્પિનર ​​નૅથન લાયને ભારતમાં ટેસ્ટ-સિરીઝ જીતવાની પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી છે. ૨૦૦૪-’૦૫ પછી ઑસ્ટ્રેલિયાએ ભારતને તેની ધરતી પર ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યું નથી. ​​નૅથન લાયન કહે છે, ‘ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઇરાદો નથી અને એ પહેલાં હું ભારતમાં ટેસ્ટ-શ્રેણી જીતવા માગું છું. હું ઇંગ્લૅન્ડમાં પણ સિરીઝ જીતવા માગું છું.’

૩૭ વર્ષના ઑફ-સ્પિનર ​​​​નૅથન લાયને ઑસ્ટ્રેલિયા માટે ૧૩૮ ટેસ્ટ-મૅચમાં ૫૫૬ વિકેટ લીધી છે. તેણે ભારત સામે ૩૨ ટેસ્ટમાં ૧૩૦ વિકેટ લીધી છે, પરંતુ ભારતમાં ક્યારેય ટેસ્ટ-સિરીઝ જીતી શક્યો નથી. ૨૦૦૪-’૦૫ની સિરીઝ બાદ ઑસ્ટ્રેલિયા ભારતમાં પાંચેય ટેસ્ટ-સિરીઝ હાર્યું છે.

નૅથન લાયને કાંગારૂ ટીમમાં સૉન્ગ માસ્ટરની ભૂમિકા છોડી દીધી

ઑસ્ટ્રેલિયન ટીમમાં ૧૯૭૪થી દરેક જીત બાદ ‘અન્ડર ધ સધર્ન ક્રૉસ’ ગીત ગાવામાં આવે છે જેના મુખ્ય ગાયક તરીકે એક પ્લેયરને સૉન્ગ માસ્ટરની ભૂમિકા સોંપવામાં આવે છે. ૨૦૧૩માં ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ હસીએ નૅથનને આ જવાબદારી સોંપી હતી. હવે નૅથને આ જવાબદારી વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરીને સોંપી છે.

​​નૅથન લાયને સોન્ગ માસ્ટરની જવાબદારી ઍલેક્સને આપવા વિશે કહ્યું છે કે ‘મેં ૧૨ વર્ષ સુધી આ જવાબદારી નિભાવી છે. આ મારી કરીઅરમાં એક મોટી સિદ્ધિ રહી છે, પરંતુ એને છોડી દેવાનો અર્થ એ નથી કે હું નિવૃત્તિ લઈ રહ્યો છું. એ ટીમના વાતાવરણ વિશે છે. ખાતરી કરવા માટે કે આ તક એવી વ્યક્તિને મળી રહી છે જેને હું ઘણું માન આપતો આવ્યો છું. મને લાગે છે કે ઍલેક્સ એના માટે યોગ્ય ઉમેદવાર છે.’

ટીમમાં ગૌરવ, એકતા અને વારસાના પ્રતીક તરીકે આ પરંપરા છેલ્લાં ૫૦ વર્ષોથી ચાલી રહી છે.

australia cricket news sports news sports india border gavaskar trophy test cricket