પૅટિન્સનને લૉકડાઉન નડ્યું : નિવૃત્તિ જાહેર કરી દીધી

21 October, 2021 04:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૧ વર્ષના પૅટિન્સને ડૉમેસ્ટિક સીઝનમાં પોતાની ફિટનેસ અને ફૉર્મ પુરવાર કરી દેવાની આશા રાખી હતી

જેમ્સ પૅટિન્સ

ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પૅટિન્સને અપૂરતી ફિટનેસને કારણે ડિસેમ્બર મહિનાની ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં પોતાનું સિલેક્શન નહીં થઈ શકે એવું ધારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. ૩૧ વર્ષના પૅટિન્સને ડૉમેસ્ટિક સીઝનમાં પોતાની ફિટનેસ અને ફૉર્મ પુરવાર કરી દેવાની આશા રાખી હતી, પરંતુ કોવિડ-પ્રેરિત લૉકડાઉનને લીધે ડોમેસ્ટિક મૅચ વિલંબમાં મુકાઈ હતી એટલે એ રીતે પૅટિન્સનને લૉકડાઉન નડ્યું હતું.

તે ઈજાને લીધે શેફીલ્ડ શીલ્ડની પ્રારંભિક મૅચ નહોતો રમી શક્યો. તેણે ગઈ કાલે કહ્યું કે ‘મેં નક્કી કર્યું છે કે હવે ત્રણ-ચાર વર્ષ રમવું છે તો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ચાલુ રહેવા કરતાં ડોમેસ્ટિક મૅચમાં રમીશ અને મારી ફૅમિલીને પૂરતો સમય આપીશ.’ પૅટિન્સન ગયા વર્ષે ભારત સામેની ટેસ્ટમાં રમવાનો હતો, પણ ઘરમાં પડી જતાં તેને પાંસળીમાં ગંભીર ઈજા થતાં નહોતો રમી શક્યો.

પૅટિન્સને ૨૦૧૧થી ૨૦૨૦ દરમ્યાન ઈજાઓને લીધે ખોરવાઈ ગયેલી કરીઅરમાં ૨૧ ટેસ્ટમાં ૮૧ વિકેટ, ૧૫ વન-ડેમાં ૧૬ વિકેટ અને ૪ ટી૨૦ મૅચમાં ૩ વિકેટ લીધી હતી. તેણે ૨૦૧૧માં ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટથી કારકિર્દી શરૂ કરી હતી અને પહેલી બે ટેસ્ટના એક-એક દાવમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી.

sports sports news cricket news australia