ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારાની ગેરહાજરીથી ખુશ છે ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ

21 November, 2024 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયામાં છેલ્લી બે ટેસ્ટ-ટૂરમાં મળેલી જીતમાં ભારતીય બૅટર ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જોશ હેઝલવુડ

ઑસ્ટ્રેલિયામાં છેલ્લી બે ટેસ્ટ-ટૂરમાં મળેલી જીતમાં ભારતીય બૅટર ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે આવતી કાલથી શરૂ થતી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં તેઓ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. આ વિશે વાત કરતાં ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કહ્યું હતું કે ‘હું ખુશ છું કે પુજારા તેમની ટીમમાં નથી. તે એવો બૅટ્સમૅન છે જેની વિકેટ તમે હંમેશાં લેવા ઇચ્છો છો. ઑસ્ટ્રેલિયા-ટૂરમાં તેણે હંમેશાં સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમમાં હંમેશાં યુવા અને નવા ખેલાડીઓ આવતા હોય છે. તેમના પર સારું પ્રદર્શન કરવાનું ઘણું દબાણ હોય છે એથી ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં જે પણ હશે તે ખૂબ જ પ્રતિભાશાળી હશે. રિષભ પંત જેવા આક્રમક પ્લેયર્સ સામે હંમેશાં પ્લાન B અથવા C હોવો જોઈએ.’

૨૪ મૅચમાં પાંચ સેન્ચુરી અને ૧૧ ફિફ્ટીની મદદથી ૨૦૩૩ રન ફટકારનાર પુજારા BGTમાં હાઇએસ્ટ રન ફટકારનાર ઍક્ટિવ પ્લેયર છે. હાઇએસ્ટ રન-સ્કોરના લિસ્ટમાં તે છઠ્ઠા ક્રમે છે, જ્યારે રહાણે ૧૭ મૅચમાં બે સેન્ચુરી અને પાંચ ફિફ્ટીની મદદથી ૧૦૯૦ રન બનાવી ૧૪મા ક્રમે છે. તેમની ગેરહાજરીથી આ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ઑસ્ટ્રેલિયન બોલર્સને રાહત રહશે. 

BGTમાં હેઝલવુડનો રેકૉર્ડ
મૅચ    ૧૫
ઇનિંગ્સ    ૨૮ 
ઓવર્સ    ૫૪૧.૧
મેઇડન ઓવર    ૧૬૦
વિકેટ    ૫૧
રન આપ્યા    ૧૩૭૪
ઇકૉનૉમી-રેટ    ૨.૫૩

cheteshwar pujara australia border-gavaskar trophy Rishabh Pant sports news sports cricket news