કાંગારૂ સ્પિનરો સામે ફસડાયું બંગલાદેશ

18 June, 2026 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝૅમ્પા-ડેવિસની ત્રણ-ત્રણ વિકેટ, પ્રથમ T20માં આૅસ્ટ્રેલિયાનો ૪ વિકેટથી વિજય

આૅસ્ટ્રેલિયાના જૉઇલ ડેવિસ અને ઍડમ ઝૅમ્પાએ ૩-૩ વિકેટ લીધી હતી.

વન-ડે સિરીઝની હારને ભૂલીને ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ૩ મૅચની સિરીઝની પ્રથમ T20માં યજમાન બંગલાદેશને ચાર વિકેટે હરાવીને ૧-૦થી લીડ લીધી હતી. બંગલાદેશે આપેલા ૧૩૨ રનના ટાર્ગેટને ઑસ્ટ્રેલિયાએ ૧૮.૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. 

ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો બંગલાદેશના કૅપ્ટનનો નિર્ણય ખોટો સાબિત થયો હતો અને કોઈ બૅટર વધુ ટકી ન શકતાં બંગલાદેશ ૧૯ ઓવરમાં ૧૩૧ રનમાં પૅવિલિયન ભેગું થઈ ગયું હતું. અનુભવી સ્પિનર ઍડમ ઝૅમ્પા અને પ્રથમ T20 ઇન્ટરનૅશનલ રમી રહેલા ૨૨ વર્ષના જૉઇલ ડેવિસે ૩-૩ વિકેટ સાથે બંગલાદેશની બૅટિંગની કમર તોડી નાખી હતી. મૅટ રૅન્શૉને બે તથા ભારતીય મૂળના નિખિલ ચૌધરીને એક વિકેટ મળી હતી. 

જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ઓપનરો મિચલ માર્શ અને જૉશ ઇંગ્લિસને જલદી ગુમાવી દીધા હતા,  પણ ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ૧૪૯ રનની શાનદાર ઇનિંગ્સ રમીને કાંગારૂઓની લાજ રાખનાર કૂપર કૉનોલી ફરી બંગલાદેશને નડ્યો હતો. તેણે ૨૭ બૉલમાં ૪૭ રન ફટકારીને જીતને આસાન બનાવી દીધી હતી. નિખિલ ચૌધરીએ ૧૩ બૉલમાં બે ફોર સાથે ૧૮ રન બનાવ્યા હતા. 
હવે બીજી T20 મૅચ આવતી કાલે રમાશે.

sports news sports cricket news australia bangladesh t20 t20 international