08 April, 2026 12:44 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
તમીમ ઇકબાલ
ભારતના પાડોશી દેશ બંગલાદેશના ક્રિકેટમાં મોટો ફેરફાર થયો છે. દેશની નવી સરકારની આગેવાની હેઠળની નૅશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલે વર્તમાન ક્રિકેટ કાઉન્સિલને વિખેરીને ભૂતપૂર્વ કૅપ્ટન તમીમ ઇકબાલને ૩૭ વર્ષની ઉંમરે બંગલાદેશ ક્રિકેટ બોર્ડનો યંગેસ્ટ પ્રેસિડન્ટ બનાવ્યો છે. તે ૧૧ સભ્યોની ઍડ-હૉક સમિતિની આગેવાની કરીને આગામી ૩ મહિનામાં ક્રિકેટ બોર્ડની ચૂંટણીઓ અને મૅનેજમેન્ટનું સંચાલન કરશે.
બંગલાદેશનો ભૂતપૂર્વ કૅપ્ટન અને બોર્ડનો પ્રેસિડન્ટ અમીનુલ ઇસ્લામ ઑક્ટોબર ૨૦૨૫થી આ પદ સંભાળી રહ્યો હતો. તેની આગેવાનીમાં બોર્ડને અનેક કારણોસર ટીકાઓનો સામનો કરવો પડ્યો, ફક્ત ચૂંટણીઓના ગેરવહીવટને કારણે જ નહીં, પરંતુ T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાને કારણે પણ.
નૅશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલે તપાસ-સમિતિની રચના કર્યા પછી બોર્ડના ડિરેક્ટરોએ એક પછી એક રાજીનામું આપ્યું. બોર્ડની ક્રિકેટ કાઉન્સિલનું વિસર્જન થાય એ પહેલાં અત્યાર સુધીમાં લગભગ ૭ ડિરેક્ટરોએ રાજીનામું આપી દીધું હતું. આ અસ્થિરતાના પરિણામે સરકારે ગઈ કાલે આ મોટો નિર્ણય લીધો હતો.