13 September, 2025 01:25 PM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent
૩૯ બૉલમાં ૫૯ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો બંગલાદેશી કૅપ્ટન લિટન દાસ.
બંગલાદેશની ટીમે ગુરુવારે હૉન્ગકૉન્ગને સાત વિકેટે હરાવીને પોતાના T20 એશિયા કપ અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. બંગલાદેશે ૧૪૪ રનનો ટાર્ગેટ ૩ વિકેટે ૧૭.૪ ઓવરમાં ચેઝ કર્યો હતો. અબુ ધાબીના મેદાન પર બંગલાદેશની આ પહેલી T20 જીત હતી, આ પહેલાંની બન્ને મૅચમાં હાર મળી હતી. હૉન્ગકૉન્ગ સામે વર્ષ ૨૦૧૪ બાદ બંગલાદેશની આ ઓવરઑલ બીજી T20 મૅચ હતી. આ હરીફ સામે પણ બંગલાદેશે પહેલી જીત નોંધાવી હતી. અફઘાનિસ્તાન બાદ બંગલાદેશ સામે મળેલી આ હારથી હૉન્ગકૉન્ગનું અભિયાન ઓલમૉસ્ટ સમાપ્ત થઈ ગયું છે.
મિડલ ઑર્ડર બૅટર નિઝાકત ખાન (૪૦ બૉલમાં ૪૨ રન)ની ઇનિંગ્સના આધારે હૉન્ગકૉન્ગે સાત વિકેટે ૧૪૩ રન કર્યા હતા. બંગલાદેશના ફાસ્ટ બોલર્સ તન્ઝીમ હસન સાકિબ (૨૧ રનમાં બે વિકેટ), તસ્કિન અહમદ (૩૮ રનમાં બે વિકેટ) અને સ્પિનર રિશાદ હુસૈન (૩૧ રનમાં બે વિકેટ)ને મહત્ત્વપૂર્ણ સફળતાઓ મળી હતી. ૬ ફોર અને એક સિક્સર ફટકારનાર બંગલાદેશી કૅપ્ટન લિટન દાસ (૩૯ બૉલમાં ૫૯ રન)એ મૅચને જીત સુધી પહોંચાડી દીધી હતી. મીડિયમ ફાસ્ટ બોલર અતીક ઇકબાલ (૧૪ રનમાં બે વિકેટ)એ હૉન્ગકૉન્ગ માટે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.