16 January, 2026 04:10 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
બંગલાદેશ ક્રિકેટર્સ વેલ્ફેર અસોસિએશનની પ્રેસ-કૉન્ફરન્સમાં હાજર રહ્યા હતા મુસ્તફિઝુર રહમાન સહિતના સ્ટાર પ્લેયર્સ.
બંગલાદેશ ક્રિકેટમાં બોર્ડના સભ્યો અને પ્લેયર્સ વચ્ચે આંતરિક યુદ્ધ છેડાયું
બોર્ડના સભ્ય એમ. નઝમુલ ઇસ્લામના વિવાદિત નિવેદન બાદ રાજીનામાની માગણી કરીને ક્રિકેટર્સ બંગલાદેશ પ્રીમિયર લીગની ગઈ કાલની બન્ને મૅચ રમવા જ ન ગયા, બોર્ડે અંતે ઝૂકવું પડ્યું અને એમ. નઝમુલ ઇસ્લામને જવાબદારીમાંથી મુક્ત કર્યો
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને ભારતની બહાર પોતાની T20 મૅચ યોજવા માટે આજીજી કરી રહેલું બંગલાદેશ ક્રિકેટ બોર્ડ હાલમાં આંતરિક યુદ્ધમાં અટવાયું છે. બોર્ડની નાણાકીય સમિતિના અધ્યક્ષ એમ. નઝમુલ ઇસ્લામે આપેલાં બે વિવાદિત નિવેદનને કારણે બંગલાદેશ ક્રિકેટર્સ વેલ્ફેર અસોસિએશન (CWAB)ના સભ્યોએ ૪૮ કલાકમાં તેમના રાજીનામાની માગણી કરીને તમામ પ્રકારના ક્રિકેટનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી હતી. એ ઘટનાને કારણે બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL)ની ગઈ કાલે આયોજિત બન્ને મૅચ નહોતી રમાઈ.
બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન તમીમ ઇકબાલે હાલમાં બોર્ડને સમજીવિચારીને T20 વર્લ્ડ કપ સહિતના નિર્ણય લેવાની સલાહ આપી હતી. આ સૂચન બાદ એમ. નઝમુલ ઇસ્લામે તમીમ ઇકબાલને ભારતીય એજન્ટ ગણાવ્યો હતો. એમ. નઝમુલ ઇસ્લામે એવી કમેન્ટ કરી હતી કે બંગલાદેશ ક્રિકેટ બોર્ડે જેટલા પૈસા તેમની પાછળ ખર્ચ્યા છે એ પૈસા ક્રિકેટર્સે બોર્ડને પાછા આપવા જોઈએ.’
CWABના સભ્યોએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને મહિલા ક્રિકેટર્સ સાથે જાતીય સતામણી, ઢાકા ફર્સ્ટ ડિવિઝન ક્રિકેટની કટોકટી, મહિલા ક્રિકેટ માટે સુવિધા અને એમ. નઝમુલ ઇસ્લામના રાજીનામા સંબંધિત મુદ્દાઓ ઉઠાવીને તમામ પ્રકારના ક્રિકેટનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. આ ચેતવણીના ભાગરૂપે ઢાકાના મીરપુરમાં આયોજિત બપોર અને સાંજની બે મૅચમાં પ્લેયર્સ સ્ટેડિયમ સુધી ગયા જ નહોતો એને કારણે મૅચ પોસ્ટપોન કરવી પડી હતી.
બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ઘટના બાદ તાત્કાલિક નિર્ણય લઈને નિવેદન આપ્યું કે ‘બોર્ડે હાલની ઘટનાઓની સમીક્ષા કર્યા પછી અને સંગઠનના શ્રેષ્ઠ હિતમાં એમ. નઝમુલ ઇસ્લામને તાત્કાલિક અસરથી નાણાકીય સમિતિના અધ્યક્ષની જવાબદારીઓમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.’