28 December, 2025 11:35 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
બંગલાદેશ પ્રીમિયર લીગમાં મૅચ પહેલાં એક કોચ મેદાનમાં બેભાન થઈને જીવ ગુમાવી બેઠો, મેદાન પર મૃતદેહ લાવીને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
ઢાકા કૅપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકીનું શનિવારે બંગલાદેશ પ્રીમિયર લીગની મૅચ દરમ્યાન સિલહટ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બેભાન થઈને મૃત્યુ થયું હતું. રાજશાહી વૉરિયર્સ સામેની મૅચની થોડી મિનિટો પહેલાં આ સહાયક કોચ મેદાન પર બેભાન થઈ ગયો હતો.
તેને તરત ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. જોકે તેને હૉસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ગઈ કાલે સિલહટ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં BPLની સાંજની મૅચ પહેલાં ઢાકા કૅપિટલ્સના દિવંગત સહાયક કોચ મહબૂબ અલીના મૃતદેહને મેદાન પર લાવવામાં આવ્યો હતો. તેના કાયમી યોગદાનનું સન્માન કરવા માટે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આ પહેલ કરવામાં આવી હતી. બંગલાદેશ ક્રિકેટના અધિકારીઓ, પ્લેયર્સ અને સ્ટેડિયમમાં હાજર ચાહકોએ મળીને મહબૂબ અલી માટે અંતિમ પ્રાર્થના કરી હતી.