ICC તરફથી વર્લ્ડ કપ ભાગીદારી માટે કોઈ અલ્ટીમેટમ મળ્યું ન હોવાનો દાવો કરી રહ્યું છે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ

21 January, 2026 02:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ સરકાર ICCના પ્રેશર સામે ઝૂકશે નહીં: બંગલાદેશનો રમતગમત સલાહકાર આસિફ નઝરુલ

આસિફ નઝરુલ

બંગલાદેશ ક્રિકેટ ટીમના મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ભાગીદારી વિશેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ એ વાતનો ઇનકાર કર્યો છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેમને T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા વિશે નિર્ણય લેવા માટે ૨૧ જાન્યુઆરીનું અલ્ટીમેટમ આપ્યું છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડના મીડિયા કમિટીના ચૅરમૅન અમજદ હુસૈને કહ્યું હતું કે ‘ઢાકામાં ICCના અધિકારીઓ સાથે વર્લ્ડ કપ મૅચ માટે ભારત સિવાયના વૈકલ્પિક સ્થળની વિનંતી કરીને વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે અમને કહ્યું હતું કે તેઓ આ મુદ્દાઓ વિશે ICCને જાણ કરશે અને પછીથી નિર્ણયની જાણ કરશે. તેમણે ફક્ત કહ્યું હતું કે તેઓ આગામી ચર્ચા ક્યારે થશે એ અમને જણાવશે. અમને નિર્ણય લેવા માટે કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી.’

બંગલાદેશ સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે મંગળવારે પુનરુચ્ચાર કર્યો કે રાષ્ટ્રીય ટીમ કોઈ પણ સંજોગોમાં T20 વર્લ્ડ કપ માટે ભારત જશે નહીં. તેણે કહ્યું હતું કે ‘મને ખબર નથી કે સ્કૉટલૅન્ડને અમારા સ્થાને સમાવવામાં આવશે કે નહીં. જો ICC ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેશર હેઠળ અન્યાયી શરતો લાદીને અમારા પર પ્રેશર કરવાનો પ્રયાસ કરશે તો અમે એ શરતો સ્વીકારીશું નહીં.’ આસિફ નઝરુલે વધુમાં કહ્યું હતું કે ‘ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે જ્યાં પાકિસ્તાને કહ્યું હતું કે તેઓ ભારત નહીં જાય અને ICCએ સ્થળ બદલ્યું હતું. અમે તાર્કિક આધાર પર સ્થળ બદલવાની માગ કરી છે અને અન્યાયી પ્રેશર દ્વારા અમને ભારતમાં રમવા માટે પ્રેશર કરી શકે નહીં.’

bangladesh t20 world cup international cricket council cricket news sports news sports