09 August, 2026 12:42 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
યંગ ફાસ્ટ બોલર કૅમ્પબેલ થૉમ્પસને માત્ર પચીસ રન આપીને ૮ વિકેટ લીધી હતી.
બંગલાદેશની ટીમ આગામી ૧૩ ઑગસ્ટથી ૨૬ ઑગસ્ટ દરમ્યાન યજમાન ઑસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલાં બંગલાદેશી ટીમે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઇલેવન સામે ત્રણ દિવસની વૉર્મ-અપ મૅચ રમવાની શરૂઆત કરી હતી, જેમાં બંગલાદેશી ટીમને એક ઇનિંગ્સ અને ૩૮ રને હાર મળી છે.
ડાર્વિનમાં મેહદી હસન મિરાઝે કરેલા ૧૪૧ બૉલમાં અણનમ ૧૦૯ રનની મદદથી બંગલાદેશે ૭૫.૫ ઓવરમાં ૨૬૩-૧૦નો સ્કોર કર્યો હતો. હરીફ ટીમે ટિગ વિલીના ૧૭૭ બૉલમાં ૧૩૦ રનની મદદથી ૮૭.૨ ઓવરમાં ૩૫૫-૧૦નો સ્કોર કરીને ૯૨ રનની લીડ મેળવી હતી.
બીજી ઇનિંગ્સમાં ટાર્ગેટ સેટ કરતી વખતે બંગલાદેશની ટીમ બાવીસ ઓવરમાં ૫૪ રનના સ્કોરે તંબુભેગી થઈ ગઈ હતી. માત્ર ઓપનર તનઝીદ હસન તમીમ ૪૧ બૉલમાં બાવીસ રનનો ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યો હતો. યંગ ફાસ્ટ બોલર કૅમ્પબેલ થૉમ્પસને ૧૧ ઓવરમાં માત્ર પચીસ રન આપીને ૮ વિકેટ લીધી હતી. બંગલાદેશની છેલ્લી ૬ વિકેટ માત્ર ૯ રનની અંદર પડી હતી.