18 July, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બંગલાદેશી ઓપનર્સે ૧૪.૪ ઓવરમાં ૧૨૦ રનની ભાગીદારી કરી હતી.
યજમાન ઝિમ્બાબ્વે અને બંગલાદેશ વચ્ચે ત્રણ T20 મૅચની સિરીઝ ૧-૧થી લેવલ થઈ છે. પહેલી મૅચ ઝિમ્બાબ્વેએ ૩૨ રનથી જીતી હતી. બીજી મૅચ બંગલાદેશે ૩૪ રનથી જીતીને સિરીઝને રસપ્રદ બનાવી દીધી છે. ૧૯ જુલાઈએ સિરીઝની ત્રીજી અને અંતિમ નિર્ણાયક મૅચ રમાશે.
બંગલાદેશે સૈફ હસનના ૪૫ બૉલમાં પંચાવન રન અને તન્ઝીદ હસન તમીમના ૪૪ બૉલમાં ૫૮ રનની મદદથી ૧૮૬-૫નો સ્કોર કર્યો હતો. માત્ર ત્રણ બૅટર્સના પચીસ પ્લસ રનના સ્કોરની મદદથી ઝિમ્બાબ્વેની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૫૨ રને તમામ વિકેટ ગુમાવી હતી.
રન-ચેઝ દરમ્યાન ઝિમ્બાબ્વેની અડધી ટીમે ૮.૧ ઓવરમાં ૬૮ રન પર તંબુભેગી થઈ ગઈ હતી. બંગલાદેશના સ્પિનર મેહદી હસને ૨૪ રન આપીને ત્રણ વિકેટ અને રિશાદ હુસૈને ૨૬ રન આપીને ચાર વિકેટ લઈને જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.