24 December, 2025 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડે હાલમાં ઍૅપેક્સ કાઉન્સિલની વર્ચ્યુઅલ મીટિંગમાં ડોમેસ્ટિક મહિલા ક્રિકેટરોની મૅચ-ફીમાં બેગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર વન-ડે વર્લ્ડ કપ 2025ની ઐતિહાસિક સિદ્ધિ બાદ ક્રિકેટ બોર્ડ ડોમેસ્ટિક ક્રિકેટમાં પુરુષ-ક્રિકેટર અને મહિલા-ક્રિકેટરની મૅચ-ફી સમાન રાખવાની પહેલ કરવા જઈ રહ્યું છે.
ડોમેસ્ટિક સિનિયર ક્રિકેટમાં મલ્ટિ-ડે અને વન-ડે મૅચની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ પ્લેયરની મૅચ-ફી ૨૦,૦૦૦થી વધારીને ૫૦,૦૦૦ અને રિઝર્વ પ્લેયરની ૧૦,૦૦૦થી વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. T20 મૅચ રમનાર પ્લેયરને મૅચ-ફીમાં ૧૨,૫૦૦ને બદલે ૨૫,૦૦૦ અને રિઝર્વ પ્લેયરને ૬૨૫૦ને બદલે ૧૨,૫૦૦ રૂપિયા મળશે.
જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવો પગાર મલ્ટિ-ડે અને વન-ડે મૅચની પ્લેઇંગ ઇલેવન માટે ૨૫,૦૦૦ અને રિઝર્વ ખેલાડીઓ માટે ૧૨,૫૦૦ રૂપિયા હશે. T20 મૅચો માટે તેમની મૅચ-ફી હવે ફર્સ્ટ-ઇલેવન માટે ૧૨,૫૦૦ અને નૉન-પ્લેઇંગ સભ્યો માટે ૬૨૫૦ રૂપિયા હશે. અગાઉ આ મૅચ-ફી વધેલી રકમથી અડધી જ હતી. ડોમેસ્ટિક મહિલા ક્રિકેટની મૅચ-ફીના આ તમામ નવા આંકડા વર્તમાન ડોમેસ્ટિક ક્રિકેટમાં પુરુષ-ક્રિકેટરની મૅચ-ફી જેટલા જ છે.
અહેવાલ અનુસાર ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કાર્યરત ઑલમોસ્ટ ૭૯ મૅચ-રેફરી અને અમ્પાયર્સની મૅચ-ફી એકસમાન કરવામાં આવશે. લીગ મૅચ માટે પ્રતિ દિન ૪૦,૦૦૦ અને નૉકઆઉટ મૅચ માટે પ્રતિ દિન ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે; જેથી સ્થાનિક ક્રિકેટમાં તમામ ઑન-ફીલ્ડ અધિકારીઓમાં સુસંગતતા અને સમાનતા સુનિશ્ચિત થાય.