ઇંગ્લૅન્ડ ટીમ સાથેની કરીઅર બચાવવા બેન ડકેટે દિલ્હી કૅપિટલ્સનો IPL 2026નો કરાર તોડી નાખ્યો

25 March, 2026 05:23 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ ટીમ સાથેની કરીઅર બચાવવા બેન ડકેટે DCનો IPL 2026નો કરાર તોડી નાખ્યો, IPLના નિયમો અનુસાર કરાર તોડવા બદલ બેન ડકેટ આવતી બે સીઝનમાં રમી શકશે નહીં અને ઑક્શનમાં પણ ભાગ લઈ શકશે નહીં.

ઇંગ્લૅન્ડ ટીમ સાથેની કરીઅર બચાવવા બેન ડકેટે દિલ્હી કૅપિટલ્સનો IPL 2026નો કરાર તોડી નાખ્યો

ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનમાં ન રમવાનો નિર્ણય લીધો છે. હવે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન ઇંગ્લૅન્ડ ટીમ સાથેની કરીઅર પર કેન્દ્રિત કરવા માગે છે. દિલ્હી કૅપિટલ્સે ૩૧ વર્ષના આ વિકેટકીપર-બૅટરને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે હજી સુધી IPLમાં ડેબ્યુ કર્યું નથી. આ તેનો પહેલવહેલો IPL-કરાર હતો. 

બેન ડકેટે ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાહેરાત કરતાં લખ્યું હતું કે ‘મેં IPLમાંથી ખસી જવાનો ખૂબ મુશ્કેલ નિર્ણય લીધો છે. મેં ખૂબ વિચાર કર્યો છે અને એ સરળ પસંદગી નહોતી. ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કરવું મારું બાળપણનું સપનું રહ્યું છે અને હું મારું સર્વસ્વ ઇંગ્લૅન્ડ ક્રિકેટને આપવા માગું છું. મારે ખાતરી કરવાની જરૂર છે કે હું સમર સીઝન પહેલાં શ્રેષ્ઠ શારીરિક અને માનસિક સ્થિતિમાં હોઉં. હું દિલ્હીની ટીમ અને ફૅન્સની માફી માગું છું.’ 

IPLના નિયમો અનુસાર કરાર તોડવા બદલ બેન ડકેટ આવતી બે સીઝનમાં રમી શકશે નહીં અને ઑક્શનમાં પણ ભાગ લઈ શકશે નહીં. IPL 2025માં ઇંગ્લૅન્ડના વાઇટ-બૉલ ટીમના કૅપ્ટન હૅરી બ્રૂકે પણ દિલ્હી કૅપિટલ્સ સાથેનો ૬.૨ કરોડ રૂપિયાનો કરાર તોડ્યો હતો. તેણે નૅશનલ ડ્યુટીને પ્રાધાન્ય આપીને આ નિર્ણય લીધો હતો. તેના પર ૨૦૨૭ સુધી IPLમાં રમવા પર બૅન લાગ્યો છે. 

england cricket news IPL 2026 indian premier league sports news sports delhi capitals