05 January, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી, લક્ષ્મી રતન શુક્લા
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં બંગાળના હેડ કોચની જવાબદારી સંભાળતા લક્ષ્મી રતન શુક્લાએ ન્યુ ઝીલૅન્ડની સિરીઝમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની અવગણના કરવા બદલ સિલેક્શન કમિટીની ટીકા કરી છે. ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ મોહમ્મદ શમીએ બંગાળ માટે રણજી ટ્રોફીની ૪ મૅચમાં ૨૦ વિકેટ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ૭ T20 મૅચમાં ૧૬ વિકેટ અને વિજય હઝારે ટ્રોફીની પાંચ મૅચમાં ૧૧ વિકેટ ઝડપી છે.
લક્ષ્મી રતન શુક્લાએ કહ્યું હતું કે ‘સિલેક્શન કમિટીએ મોહમ્મદ શમી સાથે અન્યાય કર્યો છે. તાજેતરના સમયમાં કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી મોહમ્મદ શમી જેટલા સમર્પણ સાથે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમી રહ્યો. ડોમેસ્ટિક ક્રિકેટમાં સખત મહેનત કરવા છતાં પસંદગી સમિતિએ મોહમ્મદ શમી સાથે જે કર્યું છે એ શરમજનક છે.’
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં છેલ્લે મોહમ્મદ શમીએ ભારત માટે પાંચ મૅચમાં ૯ વિકેટ લીધી હતી.
જો ફિટનેસના મુદ્દે જ પ્રશ્ન હોય તો મોહમ્મદ શમીએ પોતાની ફિટનેસ ૨૦૦ ઓવર ફેંકીને બતાવી દીધી છે. વધુ શું સુધારો કરવાની જરૂર છે એ ફક્ત પસંદગી સમિતિ જ જાણે છે. - ભારતનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ