બુમરાહને બર્ગર, પીત્ઝા અને મિલ્કશેક ખાવાનું પસંદ હતું; પરંતુ મહાનતાની શોધમાં તેણે રાતોરાત એ બધું છોડી દીધું

25 August, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય બોલિંગ-કોચ ભરત અરુણે રસપ્રદ ખુલાસો કરતાં કહ્યું...

ભૂતપૂર્વ ભારતીય બોલિંગ-કોચ ભરત અરુણે રસપ્રદ, જસપ્રીત બુમરાહ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આધુનિક યુગના બેસ્ટ બોલર્સમાંથી એક કેવી રીતે બન્યો એનો રસપ્રદ ખુલાસો ભૂતપૂર્વ ભારતીય બોલિંગ-કોચ ભરત અરુણે કર્યો છે. ભરત અરુણના મતે મહાનતાની શોધમાં બુમરાહે પોતાની પ્રિય વાનગીઓનું બલિદાન આપીને અદ્ભુત શિસ્ત બતાવી હતી. બુમરાહ ૩૧ વર્ષની ઉંમરે ૨૦૭ ઇન્ટરનૅશનલ મૅચમાં ૪૫૭ વિકેટ લઈ ચૂક્યો છે.

એક ઇન્ટરવ્યુમાં ભરત અરુણે કહ્યું કે ‘વર્ષ ૨૦૧૩માં બુમરાહ અન્ડર-19 કૅમ્પ માટે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં આવ્યો અને ટીમમાં પસંદગી માટે પોતાનો દાવો રજૂ કર્યો. તે ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં, પરંતુ ૩૦ સભ્યોના નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી કૅમ્પમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. અમે બુમરાહની ઍક્શન પણ બદલવાનો પ્રયાસ કર્યો, પણ તેની અનોખી ઍક્શનથી તે વધુ સારી બોલિંગ કરી શકતો હોવાથી અમે એ ટાળ્યું. તેની ઍક્શનથી ખૂબ જ સારી ઝડપ મળે છે, પરતું તે એને પ્રેશરમાં પણ મૂકે છે.’

ભરત અરુણે વધુમાં કહ્યું કે ‘અમે તેને કહ્યું કે તારી ફાસ્ટ બોલિંગના પ્રભાવનો સામનો કરવા માટે તારે બળદ જેવું બનવું પડશે. એ તારા આહાર, કસરત અને બલિદાન પર આધાર રાખે છે. બુમરાહ તરત જ બદલાઈ ગયો. તેણે સ્વસ્થ ખાવાનું શરૂ કર્યું, જિમમાં કસરત કરવાનું શરૂ કર્યું. વિરાટ કોહલીની જેમ તે ખૂબ જ સમર્પિત હતો. તેને બર્ગર, પીત્ઝા અને મિલ્કશેક ખૂબ ગમતાં હતાં, પરંતુ રાતોરાત તેણે બધું છોડી દીધું. તે ગુજરાતમાં રહેતો એક પંજાબી છોકરો હતો, પરંતુ બોલિંગ પ્રત્યેનો તેનો પ્રેમ કોઈ પણ ખોરાકની લાલસા કરતાં વધુ હતો.’

jasprit bumrah indian cricket team cricket news health tips food news sports news sports