05 December, 2025 03:47 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
અંગ્રેજ બૅટર્સને ઘૂંટણિયે પાડીને વિકેટની ઉજવણી કરતો મિચલ સ્ટાર્ક અને તેના સાથી-પ્લેયર્સ અને ૨૦૨ બૉલમાં ૧૫ ફોર અને એક સિક્સર ફટકારી ૧૩૫ રનની ઇનિંગ્સ રમનાર જો રૂટે ચાલીસમી ટેસ્ટ-સદીની અનોખી ઉજવણી કરી.
બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ઍશિઝની બીજી મૅચ શરૂ થઈ હતી. આ ડે-નાઇટ ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પિન્ક બૉલના બાદશાહો સામે પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડે જો રૂટની ઑસ્ટ્રેલિયાની ધરતી પરની પહેલવહેલી ઇન્ટરનૅશનલ સદીના આધારે ૭૪ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૩૨૫ રન કર્યા હતા. કાંગારૂ ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે પહેલી ઓવરથી જ તરખાટ મચાવી ૬ વિકેટ લીધી હતી.
ઓપનર બેન ડકેટ એક બૉલ અને ઑલી પોપ ૩ બૉલ રમીને ઝીરો પર આઉટ થતાં ત્રીજી ઓવરમાં મહેમાન ટીમે પાંચ રનમાં જ બે વિકેટ ગુમાવી હતી. ઓપનર ઝૅક ક્રૉલી અને જો રૂટે ત્રીજી વિકેટ માટે ૧૫૨ બૉલમાં ૧૧૭ રનની પાર્ટનરશિપ કરીને ટીમની લાજ બચાવી હતી. ઝૅક ક્રૉલીએ ૯૩ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૭૬ રન કર્યા હતા. જો રૂટ ૨૦૨ બૉલમાં ૧૫ ફોર અને એક સિક્સર ફટકારી ૧૩૫ રને અણનમ રમી રહ્યો છે. પહેલા દિવસના અંતે પૂંછડિયા બૅટર જોફ્રા આર્ચરે ૨૬ બૉલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી ૩૨ રન કરીને જો રૂટ સાથે અંતિમ વિકેટ બચાવી રાખી હતી.
વાઇસ કૅપ્ટન હૅરી બ્રૂક ૩૩ બૉલમાં ૩૧ રન જ કરી શક્યો હતો. કૅપ્ટન બેન સ્ટોક્સે ૪૯ બૉલમાં અને ઑલરાઉન્ડર વિલ જૅક્સે ૩૧ બૉલમાં ૧૯-૧૯ રનની ઇનિંગ્સ રમી હતી. ઑસ્ટ્રેલિયાના મુખ્ય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ૧૯ ઓવરના સ્પેલમાં ૭૧ રન આપીને ૬ મોટી વિકેટ ઝડપી હતી. તેના સિવાય ફાસ્ટ બોલર સ્કૉટ બૉલૅન્ડ અને માઇકલ નેસરને ૧-૧ સફળતા મળી હતી.
63: આટલા હાઇએસ્ટ કૅચ એક ટીમ સામે ટેસ્ટ-ફૉર્મેટમાં પકડવાનો રેકૉર્ડ કર્યો સ્ટીવ સ્મિથે. ગ્રેગ ચૅપલનો ઇંગ્લૅન્ડ સામેનો જ ૬૧ કૅચનો રેકૉર્ડ તોડ્યો.
વસીમ અકરમને પછાડીને મિચલ સ્ટાર્ક ટેસ્ટમાં નંબર વન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર બન્યો
પાકિસ્તાનના સુલતાન ઑફ સ્વિંગ વસીમ અકરમને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ડાબોડી ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક બની ગયો છે. વસીમ અકરમે ૧૮૧ ઇનિંગ્સમાં ૪૧૪ વિકેટ લઈને આ રેકૉર્ડ બનાવ્યો હતો. ગઈ કાલે મિચલ સ્ટાર્કે ૧૯૫મી ટેસ્ટ-ઇનિંગ્સમાં ૪૧૮ વિકેટ સુધી પહોંચીને આ રેકૉર્ડ તોડ્યો હતો.
વસીમ અકરમે તેને એક ઇન્ટરવ્યુમાં શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે ‘સુપરસ્ટાર, તારા પર ગર્વ છે મિત્ર. તારું જબરદસ્ત કાર્ય તને અલગ પાડે છે. તારી શાનદાર કરીઅરમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચતો રહે.’
આ સિદ્ધિ છતાં મિચલ સ્ટાર્કે વસીમ અકરમને ટોચનો ડાબોડી બોલર ગણાવ્યો હતો. વસીમ અકરમે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડાબોડી ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ ૯૧૬ વિકેટ લીધી છે.
૨૦૧૧થી ઑસ્ટ્રેલિયા માટે રમનાર અનુભવી સ્પિનર નૅથન લાયન સ્ક્વૉડમાં હોવા છતાં માત્ર બીજી વખત પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી મેળવી શક્યો નથી. તે ૨૦૧૨માં પહેલી વખત ભારત સામેની ઘરેલુ ટેસ્ટ-મૅચ રમવાનું ચૂક્યો હતો. ત્યાર બાદથી હમણાં સુધી તે ઘરઆંગણે રમાયેલી સતત ૬૯ ટેસ્ટ-મૅચ રમ્યો છે.
પર્થમાં પહેલી ઍશિઝ મૅચ ૮ વિકેટથી જીતનાર પ્લેઇંગ ઇલેવનમાં યજમાન ટીમે બે ફેરફાર કર્યા હતા.
ઑસ્ટ્રેલિયાએ ઑફ-સ્પિનર નૅથન લાયનના સ્થાને ફાસ્ટ બોલર માઇકલ નેસર અને ઇન્જર્ડ ઓપનર ઉસ્માન ખ્વાજાને બદલે જોશ ઇંગ્લિસને ટીમમાં સામેલ કર્યા હતા.