27 December, 2025 04:02 PM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
કાંગારૂ ફાસ્ટ બોલર સ્કૉટ બૉલૅન્ડે ૯ ઓવરના સ્પેલમાં માત્ર ૩૦ રન આપીને હૅરી બ્રૂક સહિત ૩ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી, ધડાધડ વિકેટ પડતી જોઈને બેન સ્ટોક્સ ભગવાનને પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો.
મેલબર્ન ક્રિકેટ-ગ્રાઉન્ડમાં ગઈ કાલે બૉક્સિંગ ડે ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે ૨૦ વિકેટ પડી હતી. ૦-૩થી પાંચ મૅચની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ ગુમાવી ચૂકેલી અંગ્રેજ ટીમે ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. કાંગારૂઓ પહેલી ઇનિંગ્સમાં ૪૫.૨ ઓવરમાં ૧૫૨ રન કરીને ઑલઆઉટ થઈ ગયા હતા, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમે હૅરી બ્રૂકના ૪૧ રનના આધારે ૨૯.૫ ઓવરમાં માત્ર ૧૧૦ રનનો સ્કોર કર્યો હતો. દિવસના અંતે બીજી ઇનિંગ્સની એકમાત્ર ઓવરમાં ૪ રન કરીને ઑસ્ટ્રેલિયાએ કુલ ૪૬ રનની લીડ મેળવી હતી.
કાંગારૂઓએ વીસમી ઓવરમાં ૫૧ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ઉસ્માન ખ્વાજાએ બાવન બૉલમાં ૨૯ રન, ઍલેક્સ કૅરીએ ૩૫ બૉલમાં ૨૦ રન અને કૅમરન ગ્રીને ૩૪ બૉલમાં ૧૭ રન કરીને ટીમનો સ્કોર ૧૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. આઠમા ક્રમે રમીને ઑલરાઉન્ડર માઇકલ નેસરે ૪૯ બૉલમાં ૭ ફોરની મદદથી ૩૫ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. માઇકલ નેસરની વિકેટ સહિત આ ઇનિંગ્સની અંતિમ ૩ વિકેટ ૪૫-૪૬ ઓવર દરમ્યાન ૧૫૨ રનના સ્કોર પર જ પડી હતી.
ઇંગ્લૅન્ડ તરફથી ફાસ્ટ બોલર જોશ ટન્ગે ૧૧.૨ ઓવરમાં ૪૫ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. એકવીસમી સદીમાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેસ્ટ-મૅચમાં પાંચ વિકેટ લેનાર તે ઇંગ્લૅન્ડનો પહેલો બોલર બન્યો હતો. તેના સિવાય ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સનને બે વિકેટ, બ્રાઇડન કાર્સ અને બેન સ્ટોક્સને ૧-૧ સફળતા મળી હતી.
જો રૂટના ઝીરો સહિત ટૉપ ફોર બૅટરની નિષ્ફળતાને કારણે મહેમાન ટીમે આઠમી ઓવરમાં ૧૬ રનની અંદર ૪ વિકેટ ગુમાવી હતી. વાઇસ-કૅપ્ટન હૅરી બ્રૂક દ્વારા ૩૪ બૉલમાં બે ફોર અને બે સિક્સરની મદદથી ફટકારેલા ૪૧ રનના આધારે ઇનિંગ્સને થોડી સ્થિરતા મળી હતી. તેના સિવાય કૅપ્ટન બેન સ્ટોક્સ ૩૮ બૉલમાં ૧૬ રન અને ગસ ઍટ્કિન્સન ૩૫ બૉલમાં ૨૮ રન કરી ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા.
કાંગારૂ ફાસ્ટ બોલર માઇકલ નેસરે ૪૫ રનમાં સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. સ્કૉટ બૉલૅન્ડે ૯ ઓવરના સ્પેલમાં માત્ર ૩૦ રન આપીને હૅરી બ્રૂક સહિત ૩ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કને બે અને કૅમરન ગ્રીનને એક સફળતા મળી હતી. દિવસના અંતે ઓપનર ટ્રૅવિસ હેડના જોડીદાર તરીકે સ્કૉટ બૉલૅન્ડ ઊતર્યો હતો. નાઇટવૉચમૅન તરીકે સ્કૉટ બૉલૅન્ડે બીજી ઇનિંગ્સની એકમાત્ર ઓવરના તમામ બૉલનો સામનો કરી ૪ રન કર્યા હતા.
૨૦ વિકેટને કારણે એકવીસમી સદીના આ રૅકોર્ડ બન્યા
મેલબર્નમાં ગઈ કાલે ડબલ ધબડકાને કારણે એકવીસમી સદીના ૩ મોટા રેકૉર્ડ બન્યા હતા. એકવીસમી સદીમાં પહેલી વખત મેલબર્નની ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે અને ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે પહેલી વખત ૨૦ વિકેટ પડી હતી.
પહેલા દિવસે ૨૦ કે એથી વધુ વિકેટના પતનના મામલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ અગાઉ ૩ વખત, ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ-મૅચોમાં અગાઉ ૪ વખત અને ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ઓવરઑલ ટેસ્ટ-મૅચમાં પાંચ વખત આ ઘટના બની છે. વર્તમાન ઍશિઝ ટેસ્ટ-સિરીઝ દરમ્યાન પર્થ ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૧૯ વિકેટ પડી હતી.
મેલબર્નમાં ૯૪,૧૯૯ ફૅન્સ, ઐતિહાસિક હાજરી નોંધાઈ
ચોથી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર ૯૪,૧૯૯ ફૅન્સ ઊમટ્યા હતા. આ ભીડ મેલબર્ન ગ્રાઉન્ડ પર ક્રિકેટ-મૅચ માટે સૌથી મોટી હાજરી હતી. એનાથી ૨૦૧૫ના વન-ડે વર્લ્ડ કપ ફાઇનલનો ૯૩,૦૧૩નો રેકૉર્ડ તૂટી ગયો અને ૨૦૧૩ની ઍશિઝ ટેસ્ટ દરમ્યાન સ્થાપિત ૯૧,૧૧૨ના ઑલ-ટાઇમ ટેસ્ટ-રેકૉર્ડનો આંકડો પણ વટાવી ગયો.