30 August, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, મનોજ તિવારી
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ભારતીય ક્રિકેટર્સની ફિટનેસના નવા માપદંડ સમાન બ્રોન્કો ટેસ્ટ વિશે વિસ્ફોટક દાવો કર્યો છે. તે કહે છે કે ‘૨૦૨૭ના વર્લ્ડ કપના પ્લાનમાંથી વિરાટ કોહલીને બહાર રાખવો ખૂબ મુશ્કેલ હશે, પરંતુ મને રોહિત શર્મા વિશે શંકા છે. આ બ્રૉન્કો ટેસ્ટ રોહિત શર્મા જેવા પ્લેયર્સ માટે છે. મને લાગે છે કે આ એવી વ્યક્તિઓ માટે છે જેને તેઓ ભવિષ્યમાં ટીમનો ભાગ જોવા માગતા નથી.’
તે વધુમાં કહે છે કે ‘મારું અવલોકન છે કે જો રોહિત શર્મા તેની ફિટનેસ પર સખત મહેનત નહીં કરે તો તેને માટે એ મુશ્કેલ બનશે. મને લાગે છે કે બ્રૉન્કો ટેસ્ટ તેને રોકશે. ચોક્કસપણે આ ટેસ્ટ ફિટનેસનું સ્તર નક્કી કરશે, પરંતુ કેટલાક પ્લેયર્સને ટીમની બહાર પણ કરશે. ૨૦૧૧ના વર્લ્ડ કપ પછી યો-યો ટેસ્ટ પણ વીરેન્દર સેહવાગ અને યુવરાજ સિંહ જેવા પ્લેયર્સ માટે જ લાવવામાં આવી હતી.’
બ્રૉન્કો ટેસ્ટ ૨૦, ૪૦ અને ૬૦ મીટરની શટલ રન હોય છે. અહેવાલ અનુસાર વન-ડે કૅપ્ટન રોહિત શર્મા ૧૩ સપ્ટેમ્બરે બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં આગામી ઑસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની તૈયારી માટે જશે. આ દરમ્યાન તેની બ્રૉન્કો ટેસ્ટ પણ થશે.