31 March, 2026 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅટર-ઓન્લી કૅમરન ગ્રીનથી કૅપ્ટન અજિંક્ય રહાણે નાખુશ
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે હાર્યા બાદ કલકત્તાની ટીમના ૨૫.૨૦ કરોડ રૂપિયાના ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન વિશે વિવાદ શરૂ થયો છે. તેણે ૧૮૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૦ બૉલમાં એક ફોર અને એક સિક્સર ફટકારીને ૧૮ રન કર્યા હતા અને પેસ બોલર તરીકે બોલિંગ કરી નહોતી. કલકત્તાનું બોલિંગ-યુનિટ પહેલાંથી જ ઇન્જર્ડ પ્લેયર્સને કારણે નબળું દેખાઈ રહ્યું છે.
મૅચ બાદ અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે ‘દુર્ભાગ્યવશ કૅમરન ગ્રીન હાલમાં બોલિંગ કરી શકતો નથી. તે કેમ બોલિંગ નથી કરતો એ સવાલ ક્રિકેટ-ઑસ્ટ્રેલિયાને પૂછવો જોઈએ. એક વાર તે બોલિંગ શરૂ કરશે પછી ટીમનું સંયોજન એક અલગ રંગ ધારણ કરશે. આ સમયે અમારા માટે છઠ્ઠો બોલિંગ-વિકલ્પ હોવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
ક્રિકેટ-ઑસ્ટ્રેલિયાએ અજિંક્ય રહાણેની નાખુશી બાદ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ‘કૅમરન ગ્રીન પીઠના નીચલા ભાગમાં ઇન્જરીનો સામનો કરી રહ્યો છે. બોલિંગ માટે તૈયાર થવા માટે તેને લગભગ ૧૦-૧૨ દિવસ લાગશે. કલકત્તાની ટીમ સાથે વાતચીત કરવામાં આવી છે અને તેઓ આ માહિતીથી સંપૂર્ણપણે વાકેફ છે.’
કૅમરન ગ્રીને સપ્ટેમ્બર ૨૦૨૪થી ઑક્ટોબર ૨૦૨૫ સુધી સ્પર્ધાત્મક બોલિંગ કરી નહોતી, કારણ કે તેની પીઠમાં સર્જરી થઈ હતી. હવે તે ફરીથી પીઠમાં સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
વર્તમાન સીઝનના ઑક્શન પહેલાં કૅમરન ગ્રીને બૅટર તરીકે નામ નોંધાવ્યું હતું અને પછીથી મૅનેજરથી રજિસ્ટ્રેશન દરમ્યાન ભૂલ થઈ છે એમ કહીને પોતે ઑલરાઉન્ડર તરીકે રમશે એવી પુષ્ટિ કરી હતી. ક્રિકેટ-નિષ્ણાતો એના જૂના નિવેદન અને વર્તમાન વર્તનની ટીકા કરી રહ્યા છે.