રજત પાટીદાર અને યશ રાઠોડની સદીથી સેન્ટ્રલ ઝોન ટીમનો સ્કોર ૩૫૦ રનને પાર

13 September, 2025 01:04 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

૧૪૯ રન કરનાર સાઉથ ઝોન સામે ૨૩૫ રનની લીડ મેળવી

રજત પાટીદાર અને યશ રાઠોડની સદીથી સેન્ટ્રલ ઝોન ટીમનો સ્કોર ૩૫૦ રનને પાર

બૅન્ગલોરમાં આયોજિત દુલીપ ટ્રોફી 2025ની ફાઇનલના બીજા દિવસે સેન્ટ્રલ ઝોને જબરદસ્ત લીડ મેળવી લીધી છે. બે વ્યક્તિગત સદી અને બે ૧૦૦+ રનની પાર્ટનરશિપની મદદથી સેન્ટ્રલ ઝોને બીજા દિવસના અંતે પાંચ વિકેટે ૩૮૪ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ૧૪૯ રન બનાવી પહેલી ઇનિંગ્સમાં ઢેર થયેલા સાઉથ ઝોન સામે સેન્ટ્રલ ઝોનની ટીમે ૨૩૫ રનની જબરદસ્ત લીડ મેળવી લીધી છે.

બીજા દિવસે સેન્ટ્રલ ઝોને ૨૦મી ઓવરમાં ૫૦-૦ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઓપનર્સ ડેનિશ માલેવાર (૧૨૦ બૉલમાં ૫૩ રન) અને અક્ષય વાડકર (૬૦ બૉલમાં બાવીસ રન)એ દિવસના પહેલા સેશનમાં વિકેટ ગુમાવી દીધી હતી. ૩૩.૪ ઓવરમાં ૯૩ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધા બાદ કૅપ્ટન રજત પાટીદાર (૧૧૫ બૉલમાં ૧૦૧ રન) અને યશ રાઠોડે (૧૮૮ બૉલમાં ૧૩૭ રન અણનમ) ટીમનો સ્કોર ૬૭.૧ ઓવરમાં ૨૬૦ રન સુધી પહોંચાડી દીધો હતો. બન્નેએ ચોથી વિકેટ માટે ૨૦૫ બૉલમાં ૧૬૭ રનની ભાગીદારી કરી હતી.

યશ રાઠોડે છઠ્ઠી વિકેટ માટે સારાંશ જૈન (૧૧૯ બૉલમાં ૪૭ રન અણનમ) સાથે ૨૦૮ બૉલમાં ૧૧૮ રનની અણનમ પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત લીડ અપાવી છે. સાઉથ ઝોન તરફથી મિડિયમ ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ (૭૪ બૉલમાં ૩ વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી. 

rajat patidar bengaluru duleep trophy indian cricket team cricket news sports news