16 September, 2025 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુલીપ ટ્રોફી જીતી ગયા બાદ ખુશખુશાલ સેન્ટ્રલ ઝોનનો કૅપ્ટન રજત પાટીદાર અને અન્ય ખેલાડીઓ.
સેન્ટ્રલ ઝોને ગઈ કાલે સાઉથ ઝોનને છ વિકેટથી હરાવીને અગિયાર વર્ષના લાંબા અંતરાલ પછી દુલીપ ટ્રોફી જીતી હતી. છેલ્લે ૨૦૧૪-’૧૫માં સેન્ટ્રલ ઝોને છઠ્ઠી વખત આ ટાઇટલ જીત્યું હતું. ફાઇનલ મૅચના પાંચમા દિવસે માત્ર ૬૫ રનના ટાર્ગેટ સામે પણ સાઉથ ઝોનના બોલર્સની આકરી કસોટીમાંથી પસાર થઈને સેન્ટ્રલ ઝોને ૨૦.૩ ઓવરમાં ચાર વિકેટે ૬૬ રન કરીને પહેલાં જ સેશનમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૪૯ રન કરનાર સાઉથ ઝોને બીજી ઇનિંગ્સમાં ૪૨૬ રન કરીને ચોથા દિવસના અંતે માત્ર ૬૪ રનની લીડ મેળવી હતી. રજત પાટીદારે આ વર્ષે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)નો ટાઇટલનો દુકાળ ખતમ કર્યો હતો.
પહેલી ઇનિંગ્સમાં ૫૧૧ રન કરનાર સેન્ટ્રલ ઝોન માટે અક્ષય વાડકર (બાવન બૉલમાં ૧૯ રન) અને પ્રથમ ઇનિંગ્સના સેન્ચુરિયન યશ રાઠોડ (૧૬ બૉલમાં ૧૩ રન) છેલ્લે સુધી પિચ પર ટકી રહ્યા હતા. સાઉથ ઝોન માટે સ્પિનર અંકિત શર્મા (બાવીસ રનમાં બે વિકેટ) અને મીડિયમ ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ (૨૧ રનમાં બે વિકેટ)એ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. સેન્ટ્રલ ઝોન માટે પહેલી ઇનિંગ્સમાં ૧૯૪ રન કરનાર યશ રાઠોડ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો, જ્યારે તેની જ ટીમનો ઑલરાઉન્ડર સારાંશ જૈન (૧૩૬ રન અને ૧૬ વિકેટ) પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો.