મેન્સ-વિમેન્સ એશિયા કપમાં ૭ વિકેટ લેનાર પહેલી બોલર બની ચામરી અથાપથુ

04 September, 2026 09:55 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

3.3 ઓવરમાં પાંચ રન આપીને હૅટ-ટ્રિક સહિત ૭ વિકેટ લેવાનો કમાલ કર્યો

ચામરી અથાપથુ

દુબઈમાં બુધવારે વિમેન્સ T20 એશિયા કપ 2026ની મૅચમાં ઇન્ડોનેશિયા સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાએ ૭૫ રને જીત નોંધાવી હતી. શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૧૨૪/૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઇન્ડોનેશિયા ૧૮.૩ ઓવરમાં ૪૯ રનના સ્કોરે ઢેર થયું હતું.
ઇન્ડોનેશિયા અને શ્રીલંકાની વિમેન્સ ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વખત સામસામે રમી રહી હતી. ગ્રુપ Bમાં સતત બે જીત અને ૪.૧૨૯ના નેટ રનરેટને કારણે શ્રીલંકા પહેલા ક્રમે છે. શ્રીલંકન કૅપ્ટન ચામરી અથાપથુ વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં હૅટ-ટ્રિક વિકેટ લેનાર પહેલી શ્રીલંકન બોલર બની હતી. 
ઇન્ડોનેશિયા સામે શ્રીલંકન સ્પિનર ચામરી અથાપથુએ ૩.૩ ઓવરમાં માત્ર પાંચ રન આપીને ૭ વિકેટ લીધી હતી. મેન્સ કે વિમેન્સ એશિયા કપમાં કોઈ પણ ફૉર્મેટનું આ બેસ્ટ બોલિંગ-પ્રદર્શન હતું. પહેલી વખત ક્રિકેટ એશિયા કપમાં કોઈ બોલરે ૭ વિકેટ લેવાની કમાલ કરી છે. 

બૅક-ટુ-બૅક હૅટ-ટ્રિકમાં ઇન્ડોનેશિયાની એ જ ત્રણ ખેલાડી એક જ અંદાજમાં આઉટ થઈ  

વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ચામરી અથાપથુની હૅટ-ટ્રિક ૬૪મી હૅટ-ટ્રિક બની હતી. અગાઉ ૬૩મી હૅટ-ટ્રિક આ વર્ષે ૧૨ જૂને થાઇલૅન્ડની બોલર ફિન્નતા માયાએ ઇન્ડોનેશિયા સામે જ લીધી હતી. તેણે પણ ચામરી અથાપથુની જેમ ની એરિયાનીને બોલ્ડ કરી હતી જ્યારે સંગ મેપ્રિયાની અને ડારા પરમિતાને LBW આઉટ કરી હતી. બૅક-ટુ-બૅક હૅટ-ટ્રિકમાં એ જ ખેલાડીઓ એ જ અંદાજમાં આઉટ થયા હોય એવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. 

t20 asia cup indian womens cricket team team india cricket news sri lanka sports news sports dubai united arab emirates