ચેન્નઈને ડર ચેન્નઈકર ચક્રવર્તીનો

26 September, 2021 03:39 PM IST  |  Mumbai | Agency

કલકત્તાના મિસ્ટરી સ્પિનરે યુએઈમાં ગઈ સીઝનની બન્ને મૅચમાં ધોનીસેનાને બરાબરની પજવી હતી અને હાલમાં મુંબઈ અને બૅન્ગલોર સામેની જીતમાં તેણે કમાલ કરી હતી

ચેન્નઈને ડર ચેન્નઈકર ચક્રવર્તીનો

અબુ ધાબીમાં આજના દિવસનો પહેલો મુકાબલો બે ભૂતપૂર્વ ચૅમ્પિયનો ચેન્નઈ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જામવાનો છે. બન્ને ટીમ ૧૪મી સીઝનના આ બીજા હાફમાં અપરાજિત છે. બન્નેએ ચૅમ્પિયન મુંબઈ અને બૅન્ગલોર જેવી મજબૂત ટીમને હરાવીને ટૉપ ફોરમાં સ્થાન મજૂબત કરી લીધું છે. ગઈ સીઝનમાં પહેલી વાર પ્લેઑફમાં ન પહોંચવાની નામોશીને ખંખેરીને ચેન્નઈએ આ સીઝનની શાનદાર શરૂઆત કરી છે અને પહેલેથી જ ટૉપ-ટૂમાં રહી છે. ચેન્નઈએ બીજા હાફમાં પણ એ જ ફૉર્મ જાળવી રાખ્યું છે. જ્યારે કલકત્તાનો પહેલા હાફમાં પર્ફોર્મન્સ અસાતત્યભર્યો હતો, પણ યુએઈમાં બન્ને મૅચ જીતીને ટૉપ ફોરમાં એન્ટ્રી કરી લીધી છે. 
કલકત્તાની આ બન્ને જીતના હીરો તેમના કૅપ્ટન ઇયોન મૉર્ગને કહ્યું હતું એમ તેમના બોલરો જ છે. કલકત્તાએ પહેલી મૅચમાં બૅન્ગલોર જેવી વિરાટ કોહલી, એ. બી. ડિવિલિયર્સ, ગ્લેન મૅક્સવેલ, દેવદત્ત પડિક્કલ જેવા ખેલાડી ધરાવતી ટીમને માત્ર ૯૨ રનમાં રોકી દીધી હતી અને ત્યાર બાદ મુંબઈ જેવી ચૅમ્પિયન ટીમને ૧૫૫ રન જ બનાવવા દીધા હતા. કલકત્તાની પહેલી મૅચનો હીરો હતો વરુણ ચક્રવર્તી અને બીજી જીતનો હીરો હતો સુનીલ નારાયણ. આ કલકત્તાના સ્પિનરો યોગ્ય સમયે લયમાં આવી ગયા છે અને ટીમને જીત અપાવી રહ્યા છે. આજે ચેન્નઈને સૌથી વધુ ડર ચેન્નઈના જ મિસ્ટરી સ્પિનર ચક્રવર્તીનો હશે. ટી૨૦ વર્લ્ડ કપમાં પ્રવેશથી ભારે કૉન્ફિડન્ટ જણાતા ચક્રવર્તીના એક્સ્ટ્રા બાઉન્સ અને અનપ્રીડિક્ટેબલ એન્જલ સામે ચેન્નઈના બૅટ્સમેનો કેવી રીતે મુકાબલો કરે છે એના પર જ મોટા ભાગે આજની મૅચનું પરિણામ આધારિત હશે. ગઈ સીઝનમાં પણ બન્ને મૅચમાં ચક્રવર્તીએ ચેન્નઈના બૅટર્સને બરાબરના પજવ્યા હતા. 
ઐયરથી પણ ડરવું પડશે
ચક્રવર્તી ઉપરાંત મધ્ય પ્રદેશના તામિલબૉય વેન્કટેશ ઐયરના ફૉર્મને જોતાં ચેન્નઈએ તેને માટે ખાસ પ્લાન ઘડવો પડશે. લેફ્ટી ઐયર બન્ને મૅચમાં ટીમને મજબૂત શરૂઆત અપાવીને ટીમનો નવો સ્ટાર બની ગયો છે. ઐયરે બે મૅચમાં ૧૬૫ના સ્ટ્રાઇક-રેટથી ૯૪ રન બનાવ્યા છે. 
ગાયકવાડ-બ્રાવો ઑન ટૉપ
ચેન્નઈએ આ સીઝનમાં શાનદાર કમબૅક કર્યું છે જેમાં મોટો ફાળો યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૩૨૨ રન), પેસ બોલર દીપક ચાહર (૧૧ વિકેટ) અને ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો (૪૩ની ઍવરેજથી ૪૩ રન અને ૯ વિકેટ)નો મોટો ફાળો છે. રવીન્દ્ર જાડેજા પણ જરૂર પડ્યે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કમાલ કરે દે છે. ફૅફ ડુ પ્લેસિસે આ સીઝનમાં ટીમ વતી હાઇએસ્ટ ૩૫૧ રન બનાવ્યા છે. 
આમને-સામને
બન્ને વચ્ચે અત્યાર સુધી ૨૪ જંગ થયા છે જેમાંથી ચેન્નઈ ૧૫ જીત્યું છે અને કલકત્તા ૮, જ્યારે એક મુકાબલાનું કોઈ પરિણામ નહોતું આવી શક્યું. છેલ્લામાં પાંચ મુકાબલામાં ચેન્નઈએ ચાર જીતીને તેમનો દબદબો જાળવી રાખ્યો છે. આ સીઝનમાં મુંબઈમાં જામેલા બન્ને વચ્ચેના જંગમાં ઍન્દ્રે રસેલ અને પૅટ કમિન્સની અફલાતૂન ફટકાબાજી છતાં ૨૨૧ના ટાર્ગેટને ચેઝ કરતાં ૧૯.૧ ઓવરમાં ૨૦૨ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને ૧૮ રનથી હાર જોવી પડી હતી.

ધોની-રૈના વિજેતા જોડી
બૅન્ગલોર સામે ચેન્નઈ જીત્યું ત્યારે ખાસ મિત્રો ધોની અને રૈના અણનમ રહ્યા હતા. ચેઝ વખતે આવું ચોથી વાર બન્યું હતું. આઇપીએલમાં જોકે આ બાબતે રેકૉર્ડ ડ્વેઇન બ્રાવો અને રવીન્દ્ર જાડેજા (છ વાર, ચાર વાર ચેન્નઈ, બે વાર ગુજરાત લાયન્સ)ના નામે છે. 

cricket news sports news sports