૫૦૦૦ IPL રન ફટકારનાર પ્રથમ વિકેટકીપર બન્યો ધોની

21 April, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકેટકીપર તરીકે IPLમાં સૌથી વધુ હાફ સેન્ચુરી બનાવવાનો ધોનીનો રેકૉર્ડ તોડ્યો રાહુલે

મહેન્દ્ર સિંહ ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચૅમ્પિયન બનાવનાર ૪૨ વર્ષનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ્યારે લખનઉ પહોંચ્યો ત્યારે આખું શહેર મિની ચેન્નઈ બની ગયું હતું. એકાના સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાની ત્રીજી IPL હાફ-સેન્ચુરી અને ધોનીની શાનદાર ૨૮ રનની ઇનિંગ્સની મદદથી ચેન્નઈએ ૬ વિકેટે ૧૭૬ રન કરી લખનઉને ૧૭૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ક્વિન્ટન ડી કૉક અને કે. એલ. રાહુલની ૧૩૪ રનની ઓપનિંગ પાર્ટનરશિપને કારણે લખનઉએ ૧૯મી ઓવરમાં બે વિકેટે જીત મેળવી લીધી હતી. વિકેટકીપર તરીકે ૫૦૦૦ IPL રન ફટકરનાર ધોની (૫૦૨૩ રન) પ્રથમ વિકેટકીપર બન્યો છે. દિનેશ કાર્તિક ૪૩૬૩ રન સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. IPL 2023થી ૨૦૯.૮૯ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે ૨૫૫.૮૮ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા છે. ૪૦ વર્ષની ઉંમર પછી સૌથી વધુ ૫૦૦ IPL રન કરનાર ધોનીએ ક્રિસ ગેઇલ (૪૮૧ રન)ને પાછળ છોડ્યો છે. IPLની ૧૯-૨૦મી ઓવરમાં ધોનીએ ૬૭૪ બૉલમાં ૨૧૫ બાઉન્ડરી મારી છે. 
બર્થ-ડેના એક દિવસ બાદ કૅપ્ટન કે. એલ. રાહુલે ૮૨ રન ફટકારીને લખનઉને હારની હૅટ-ટ્રિકથી બચાવ્યું હતું. રાહુલે વિકેટકીપર તરીકે IPLમાં ૨૫મી વખત ૫૦ પ્લસનો સ્કોર કરીને ધોની (૨૪ વખત)ને પાછળ છોડ્યો છે. ક્વિન્ટન ડી કૉક (૫૩ રન) સાથે મળીને તેણે ૧૩૪ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ચેન્નઈ સામે આ ત્રીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ હતી. ૧૭૭ રનનો ટાર્ગેટ લખનઉ સુપર જાયન્ટ્સનો સૌથી મોટી સફળ રનચેઝ હતી. એકાના સ્ટેડિયમમાં પણ પહેલી વાર ૧૭૭ રનનો ટાર્ગેટ ચેઝ થયો હતો.

chennai super kings indian premier league ms dhoni sports sports news