29 March, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના સૌથી અનુભવી પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસ વિશે મોટી જાહેરાત કરી છે. ૪૪ વર્ષનો ધોની પગના સ્નાયુઓમાં ખેંચાણનો સામનો કરી રહ્યો છે. તે હાલમાં રીહૅબની પ્રક્રિયામાંથી પસાર થતો હોવાથી બે અઠવાડિયાં માટે IPLની રમત મિસ કરી શકે છે. ધોની IPLનો ઓલ્ડેસ્ટ ઍક્ટિવ પ્લેયર છે. આવતી કાલે ચેન્નઈની ટીમ ગુવાહાટીમાં રાજસ્થાન રૉયલ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આગામી બે અઠવાડિયાંમાં ધોની ચેન્નઈ માટે ૪ મૅચ રમવાથી ચૂકી શકે છે. ધોનીના સ્થાને ગુજરાતનો ઉર્વિલ પટેલ અથવા વર્લ્ડ કપનો હીરો સંજુ સૅમસન વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળી શકે છે.
IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સનું શેડ્યુલ
૩૦ માર્ચ : રાજસ્થાન રૉયલ્સ, ગુવાહાટી
૩ એપ્રિલ : પંજાબ કિંગ્સ, ચેન્નઈ
પાંચમી એપ્રિલ : રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, બૅન્ગલોર
૧૧ એપ્રિલ : દિલ્હી કૅપિટલ્સ, ચેન્નઈ
૧૪ એપ્રિલ : કોલકાતા નાઇટ રાઇડર્સ, ચેન્નઈ
૧૮ એપ્રિલ : સનરાઇઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદ
૨૩ એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ, મુંબઈ
૨૬ એપ્રિલ : ગુજરાત ટાઇટન્સ, અમદાવાદ
બીજી મે : મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ
પાંચમી મે : દિલ્હી કૅપિટલ્સ, દિલ્હી
૧૦ મે : લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નઈ
૧૫ મે : લખનઉ સુપર જાયન્ટ્સ, લખનઉ
૧૮ મે : સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ
૨૧ મે : ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ
ધોની IPLની ૧૮ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે ૨૭૮ મૅચ રમી ચૂક્યો છે. રેકૉર્ડ અનુસાર તેણે આ દરમ્યાન માત્ર પાંચ મૅચ ફિટનેસના કારણોસર મિસ કરી છે. તે ૨૦૧૦માં દિલ્હી, પંજાબ અને બૅન્ગલોર સામેની મૅચ ચૂક્યો હતો. ૨૦૧૯માં તે હૈદરાબાદ અને મુંબઈ સામેની મૅચ રમી શક્યો નહોતો. ૨૦૧૯ની ૧૭ એપ્રિલની મુંબઈ સામેની મૅચમાં ગેરહાજરી બાદ તે આ ટુર્નામેન્ટમાં સતત ૯૩ મૅચ રમ્યો છે.