વિજયપથ પર આવવા માગતા બૅન્ગલોર સામે ચેન્નઈનો પડકાર

24 September, 2021 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો આજની મૅચ જીતશે તો ધોનીની ટીમ ફરી પૉઇન્ટ-ટેબલ પર ટૉપમાં આવી જશે 

વિજયપથ પર આવવા માગતા બૅન્ગલોર સામે ચેન્નઈનો પડકાર

સ્ટાર ખેલાડીઓથી ભરપૂર બૅન્ગલોરની ટીમ પોતાની છેલ્લી કારમી હારને ભૂલીને આજે આત્મવિશ્વાસથી છલોછલ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈની ટીમને હરાવીને વિજયપથ પર આવવા માગશે. બૅન્ગલોર નવી શરૂઆત કરવા માગશે તો ચેન્નઈની ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈને ૨૦ રનથી હરાવીને મેળવેલી લયને યથાવત્ રાખવા માગશે. પૉઇન્ટ-ટેબલ પર ટૉપ-ફોરમાં રહેવા માટે બૅન્ગલોરના બૅટ્સમેનોએ ચમત્કાર કરવો જ પડશે. ઓપનર દેવદત્ત પડિક્કલ (૨૧૭ રન) અને કૅપ્ટન વિરાટ કોહલી (૨૦૩ રન)એ સારી શરૂઆત કરવી પડશે. વળી મિડલ ઑર્ડરે પણ પોતાનું યોગદાન આપવું પડશે. ગ્લેન મૅક્સવેલ (૨૩૩ રન) અને એબી ડિવિલિયર્સે (૨૦૭ રન) પણ ચેન્નઈના બોલિંગ-આક્રમણ સામે સારું પ્રદર્શન કરવું પડશે. 
બૅન્ગલોરના બોલરોએ કલકત્તા સામે ખરાબ પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલે સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે ન્યુ ઝીલૅન્ડના કાઇલ જેમિસન, યુઝવેન્દ્ર ચહલ અને ઑલરાઉ‌ન્ડર વનિન્દુ હસનરંગાએ એક ઓવરમાં ૧૦ કરતાં વધુ રન આપ્યા હતા. બીજી તરફ યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડે નૉટઆઉટ ૫૮ બૉલમાં ૮૮ રન ન ફટકાર્યા હોત તો ચેન્નઈની હાલત ખરાબ થઈ ગઈ હોત. ફૅફ ડુ પ્લેસી (૩૨૦ રન), મોઇન અલી ઝીરો પર અને અંબાતી રાયુડુ ​રિટાયર્ડ હર્ટ થયો હતો. બીજી તરફ સુરેશ રૈના અને ધોની જેવા ખેલાડીઓ ડબલ ડિજિટમાં પણ રન કરી શક્યા નહોતા. ટીમે એક સમયે ૨૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ગાયકવાડે ધીરજ ગુમાવી નહોતી અને ટીમને ૬ વિકેટે ૧૫૬ રન સુધી દોરી ગયો હતો. એને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ડ્વેઇન બ્રાવોનો સાથે મળ્યો હતો. બ્રાવોએ ૮ બૉલમાં ૨૩ રન ફટકાર્યા હતા. 

 બીજી તરફ ચેન્નઈના બોલરો ફાસ્ટ બોલર દીપક ચાહર અને ડ્વેઇન બ્રાવોના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરતાં યલો આર્મીને પોતાનો છઠ્ઠો વિજય અપાવ્યો હતો. આજનો વિજય તેમને ફરી ટેબલ પર ટોચના ક્રમાંકે મૂકી દેશે. ચેન્નઈ પાસે ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅનની પસંદગી કરવાનો વિકલ્પ પણ છે, જેણે ગયા વર્ષે આઇપીએલમાં બૉલ અને બૅટ વડે સુંદર પ્રદર્શન કર્યું હતું. 

26
બન્ને ટીમ વચ્ચે કુલ આટલી મૅચો રમાઈ છે, જેમાં ૧૭ વખત ચેન્નઈએ બૅન્ગલોરને હરાવ્યું છે. 

cricket news sports news sports ipl 2021