સિક્સર ફટકાર્યા બાદ ઇંગ્લિશ ખેલાડી કેમ દુખી થઈ ગયો?

24 June, 2021 03:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેમ કે તેના એ ફટકાએ મેદાનની બહાર પાર્ક કરેલી પોતાની જ કારનો કાચ તોડી નાખ્યો હતો

આસિફ અલી

ક્યારેક પોતાનું જ પરાક્રમ પોતાને ભારે પડી જતું હોય છે. એવું જ કંઈક ઇંગ્લૅન્ડમાં એક ક્લબ મૅચ દરમ્યાન જોવા મળ્યું હતું. ઇલિંગવર્થ સેન્ટ મૅરી ક્લબ ટીમના બૅટ્સમૅન આસિફ અલીને તેણે ફટકારેલી સિક્સર તેને જ ભારે પડી હતી. આસિફ એક બ્રિટિશ ઍમેચ્યોર ક્રિકેટર છે અને સન્ડે લીગની એક મૅચ રમી રહ્યો હતો ત્યારે એક બૉલને તેણે ફાઇન લેગ તરફ જોરથી ફટકાર્યા હતો. બોલ ફટકાર્યા બાદ તરત જ તેને યાદ આવી ગયું હતું કે તેણે તેની કાર પણ એ જ જગ્યાએ પાર્ક કરી છે, આથી ફટકા બાદ અધ્ધરશ્વાસે બૉલ તરફ જોવા લાગ્યો હતો અને નહીં, નહીંની બુમો પાડવા લાગ્યો હતો. તેનો ડર સાચો પડ્યો અને બૉલ તેની કારની પાછળના કાચ પણ જોરથી પડ્યો હતો અને કાચના ભુક્કા બોલાવી દીધા હતા. કાચ ફૂટવાના અવાજ બાદ તે ભારે દુખી થઈ ગયો હતો અને સિક્સરનું સેલિબ્રેશન કરવાને બદલે ઉદાસ થઈને થોડી વાર બેસી ગયો હતો.

તેની ક્લબે આ ઘટનાનો કાચ તૂટેલી ગાડીના ફોટો સાથે ૨૭ સેકન્ડનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો અને કૅપ્શનમાં લખ્યું હતું કે એ ક્ષણ જ્યારે તમે લાંબી સિક્સર ફટકારો અને એનાથી તમારી જ ગાડીનો કાચ તૂટી જાય. આ વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયો હતો. વિડિયોમાં હરીફ ટીમના ખેલાડીઓ આસિફ સામે જોઈને હસતા દેખાઈ રહ્યા છે.

આસિફે આ ઘટના અંગે કહ્યું હતું કે ‘હું આ ક્લબ વતી ઘણા સમયથી રમું છું અને આ પહેલાં મેં ક્યારેય મેદાનની નજીક મારી ગાડી પાર્ક નહોતી કરી. પહેલી વાર કરી અને આવું થઈ ગયું.’

sports sports news cricket news england