સબસ્ટિટ્યુટ કવાનીએ એમયુને હારથી બચાવ્યા છતાં કોચ નારાજ

29 December, 2021 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં સોમવારે મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ને કટોકટીના સમયે એડિન્સન કવાનીએ એક ગોલ અપાવતાં ન્યુ કૅસલ સામેની મૅચ ૧-૧થી ડ્રૉ ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં સોમવારે મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ને કટોકટીના સમયે એડિન્સન કવાનીએ એક ગોલ અપાવતાં ન્યુ કૅસલ સામેની મૅચ ૧-૧થી ડ્રૉ ગઈ હતી, પરંતુ એકંદરે ટીમના નબળા પર્ફોર્મન્સથી એમયુના કોચ રાલ્ફ રેન્ગનિક નારાજ હતા. એમયુની ટીમમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સહિત બીજા ટોચના ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા એવામાં કવાનીના ગોલથી ટીમ પરાજયથી બચી ગઈ હતી અને ખુદ રેન્ગનિક વચગાળાના કોચ તરીકે પ્રથમ હારથી બચ્યા હતા, પરંતુ તેમણે મૅચ પછી કહ્યું કે ‘આ મૅચમાં આપણા ખેલાડીઓનો જરાય કાબૂ નહોતો. તેમનામાં ઊર્જા જેવું કંઈ લાગતું જ નહોતું. તક વારંવાર ન મળતી હોય અને જ્યારે મળે ત્યારે એનો ફાયદો ઉઠાવી લેવો જોઈએ. જ્યારે બૉલ આપણા પ્લેયરોના કબજામાં રહેતો ત્યારે એને ગોલમાં પરિવર્તિત કરવામાં ઘણી કચાશ જોવા મળી હતી.’
૭૧મી મિનિટમાં કર્યો ગોલ
કોરોનાના કેસને કારણે એમયુની બે મૅચ મુલતવી રહ્યા પછીની આ મૅચમાં કવાની બેન્ચ પર બેઠો હતો, પણ સેકન્ડ હાફમાં સબસ્ટિટ્યુટ તરીકે આવ્યો અને ન્યુ કૅસલે ૭મી મિનિટે જે ગોલ કર્યો હતો એનો ૭૧મી મિનિટના ગોલથી જવાબ આપીને સ્કોર ૧-૧ કર્યો હતો.
રોનાલ્ડોની નિષ્ફળતા, ટીમની ચિંતા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ મૅચમાં એમયુને એકેય ગોલ તો નહોતો અપાવી શક્યો, પણ મગજ પરથી સમતોલપણું ગુમાવતો તેમ જ સાથીઓને ઠપકો અને નિર્દેશ આપતો વારંવાર જોવા મળ્યો હતો. એમયુ પૉઇન્ટ્સમાં ૨૮ અંક સાથે છેક સાતમા સ્થાને છે અને મોખરાની ટીમ મૅન્ચેસ્ટર સિટી (૪૭)થી ૧૯ પૉઇન્ટ પાછળ છે.

sports news cricket news