દમદાર બોલરોના દમ પર દિલ્હી પ્લે-ઑફમાં કન્ફર્મ

26 September, 2021 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનને ૩૩ રને હરાવ્યું, કૅપ્ટન સૅમસન અણનમ ૭૦ રન સાથે એકલો લડ્યો; શ્રેયસ ઐયર મૅન ઑફ ધ મૅચ

દમદાર બોલરોના દમ પર દિલ્હી પ્લે-ઑફમાં કન્ફર્મ

અબુ ધાબીમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સે ફૉર્મ જાળવી રાખતાં રાજસ્થાન રૉયલ્સને ૩૩ રને પછાડીને એ ફરી પૉઇન્ટ-ટેબલ પર નંબર-વન બની ગયું છે. દિલ્હીના ૧૦ મૅચમાં ૮ જીત સાથે કુલ ૧૬ પૉઇન્ટ થઈ ગયા છે અને પ્લે-ઑફમાં એનું સ્થાન પાક્કું કરી લીધું છે. આઇપીએલમાં ક્યારેય કોઈ ટીમ ૧૬ પૉઇન્ટ મેળવ્યા બાદ પ્લે-ઑફમાં ન પહોંચી હોય એવું બન્યું નથી. 
ગઈ કાલે દિલ્હીએ આપેલા ૧૫૫ રનના ટાર્ગેટ સામે રાજસ્થાન કૅપ્ટન સંજુ સૅમસનની ૫૩ બૉલમાં એક સિક્સર અને ૮ ફોર સાથે અણનમ ૭૦ રનની લડાયક ઇનિંગ્સ છતાં ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૧ રન જ બનાવી શક્યું હતું. સંજુ ઉપરાંત રાજસ્થાન વતી માત્ર મહિપાલ લોમરોર (૧૯) ડબલ ડિજિટનો સ્કોર બનાવી શક્યો હતો. લિયામ લિવિંગસ્ટન (૧), યશસ્વી જયસ્વાલ (૫), ડેવિડ મિલર (૭), રિયાન પરાગ (૨) અને રાહુલ તેવટિયા (૯)નો ફ્લૉપ શો રાજસ્થાનને નડી ગયો હતો. સૅમસને ૫૩ બૉલમાં ૭૦ રન બનાવ્યા હતા, જ્યારે બાકીના બૅટ્સમેનોએ ૭૩ બૉલમાં ૪૫ રન બનાવ્યા હતા અને ટીમની હાર માટે જવાબદાર બન્યા હતા.  
દિલ્હીના બોલરો છે દમદાર
સામાન્ય સંજોગોમાં ૧૫૫ રનનો ટાર્ગેટ આઇપીએલમાં આસાન ગણાય, પણ દિલ્હીના બોલરોને જોતાં એ અઘરો હતો. ઍન્રિચ નૉર્કિયા (૧૮ રનમાં બે), રવિચન્દ્રન અશ્વિન (૨૦ રનમાં એક), કૅગિસો રબાડા (૨૬ રનમા એક), આવેશ ખાન (૨૯ રનમાં એક) અને અક્ષર પટેલે (૨૭ રનમાં એક) રાજસ્થાનને જરાય છૂટ લેવા નહોતી દીધી.  
હીરો શ્રેયસના ઉપયોગી ૪૩ રન
રાજસ્થાને ટૉસ જીતીને દિલ્હીને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હીના ઓપનરો શિખર ધવન (૮) અને પૃથ્વી શૉ (૧૦) જલદીથી પૅવિલિયનભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ ભૂતપૂર્વ કૅપ્ટન શ્રેયસે ૩૨ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૪૩ રન સાથે એક છેડો સાચવી રાખ્યો હતો અને કૅપ્ટન રિષભ પંત (૨૪), શિમરન હૅટમાયર (૨૮), લલિત યાદવ (૧૩) અને અક્ષર પટેલ(૧૨)ના સાથ વડે ટીમને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૪ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી લઈ ગયો હતો. 
રાજસ્થાન છઠ્ઠા નંબરે પછડાયું
પંજાબ સામે રોમાંચક જીત મેળવીને પૉઇન્ટ ટેબલ પર છઠ્ઠા નંબરથી ટૉપ ફોરમાં સામેલ થયું હતું, પણ કાલે હાર સાથે એ ફરી છઠ્ઠા નંબરે સરકી ગયું હતું. 
 
મોંઘેરા મૉરિસને બદલે નંબર વન

રાજસ્થાને ૧૬.૨૫ કરોડની સૌથી ઊંચી કિંમતે ખરીદેલા ક્રિસ મૉરિસને પડતો મૂક્યો હતો અને તેના સ્થાને ટી૨૦માં નંબર વન બોલર તબ્રેઝ શમ્સીને મોકો આપ્યો હતો. જોકે શમ્સીએ ૪ ઓવરમાં ૩૪ રન આપ્યા હતા અને તે કોઈ વિકેટ નહોતો લઈ શક્યો. 

250
ગઈ કાલે અશ્વિને ડેવિડ મિલરને આઉટ કરીને ટી૨૦ ક્રિકેટમાં આટલી વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરી લીધો હતો.

sports news sports ipl 2021 cricket news delhi capitals