26 December, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
વન્ડરબોય વૈભવ સૂર્યવંશી ૧૪ વર્ષની ઉંમરે વિવિધ ટુર્નામેન્ટ અને ફૉર્મેટમાં ધમાકેદાર બૅટિંગ કરીને આખા ક્રિકેટજગત માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ક્રિકેટની ઘટનાઓ પર પોતાના વિચાર શૅર કરવા માટે જાણીતા કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે વૈભવ સૂર્યવંશી માટે સ્પેશ્યલ પોસ્ટ લખી છે. બિહારના આ ક્રિકેટર માટે શશી થરૂરે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સામે મોટી અપીલ કરી છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરની પોસ્ટમાં શશી થરૂરે લખ્યું છે, ‘આ પહેલાં જ્યારે ૧૪ વર્ષના કોઈ છોકરાએ આટલી જબરદસ્ત ક્રિકેટપ્રતિભા દર્શાવી હતી ત્યારે તે સચિન તેન્ડુલકર હતો. આપણે બધા જાણીએ છીએ કે તે ક્યાં પહોંચ્યો. આપણે શેની રાહ જોઈ રહ્યા છીએ? વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયા (સિનિયર ટીમ) માટે સિલેક્ટ કરો.’
આ પોસ્ટ પર શશી થરૂરે હેડ કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજિત આગરકરની સાથે સચિન તેન્ડુલકર અને BCCIના ઑફિશ્યલ અકાઉન્ટ્સને ટૅગ પણ કર્યાં હતાં.