૧૯૮૦ના વિવાદાસ્પદ કિવી અમ્પાયર ગુડોલનું નિધન

20 October, 2021 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૮૦માં ક્લાઇવ લૉઇડના સુકાનમાં કિવીલૅન્ડના પ્રવાસે આવેલા કૅરિબિયનોને ગુડોલના ઘણા ખોટા નિર્ણયનો કડવો અનુભવ થયો હતો. એક બનાવમાં કિવી પ્લેયર જૉન પાર્કર સામેની અપીલ ગુડોલે નકારતાં માઇકલ હોલ્ડિંગે ગુસ્સામાં સ્ટમ્પ્સને લાત મારી દીધી હતી.

૧૯૮૦ના વિવાદાસ્પદ કિવી અમ્પાયર ગુડોલનું નિધન

૧૯૮૦માં ન્યુ ઝીલૅન્ડની વેસ્ટ ઇન્ડીઝ સામેની વિવાદાસ્પદ બનેલી ટેસ્ટ-સિરીઝના કિવી અમ્પાયર ફ્રેડ ગુડોલનું અવસાન થયું છે. તેઓ ૮૩ વર્ષના હતા. તેમણે ૧૯૬૫થી ૧૯૮૮ દરમ્યાન ૨૪ ટેસ્ટ અને ૧૫ વન-ડેમાં અમ્પાયરિંગ કર્યું હતું. ૧૯૮૦માં ક્લાઇવ લૉઇડના સુકાનમાં કિવીલૅન્ડના પ્રવાસે આવેલા કૅરિબિયનોને ગુડોલના ઘણા ખોટા નિર્ણયનો કડવો અનુભવ થયો હતો. એક બનાવમાં કિવી પ્લેયર જૉન પાર્કર સામેની અપીલ ગુડોલે નકારતાં માઇકલ હોલ્ડિંગે ગુસ્સામાં સ્ટમ્પ્સને લાત મારી દીધી હતી.
ત્યાર પછીની ટેસ્ટમાં પણ ગુડોલના કેટલાક ખોટા નિર્ણયોને લીધે લૉઇડની ટીમે એક દિવસ ટી-ટાઇમ પછી ડ્રેસિંગરૂમની બહાર આવવાની ના પાડી દીધેલી. ત્યારે તો કિવી સુકાની જ્યૉફ હાવર્થે તેમને સમજાવી લીધા હતા, પણ પછીના દિવસે ગુડોલે કૉલિન ક્રૉફ્ટને ઘણા નો-બૉલ આપ્યા બાદ કૉટ બિહાઇન્ડની એક અપીલ ઠુકરાવતાં ક્રૉફ્ટે ગુડોલ પાસે ધસી જઈને તેમને ધક્કો માર્યો હતો. કૅપ્ટન લૉઇડે ક્રૉફ્ટને કોઈ ઠપકો નહોતો આપ્યો. ક્રૉફ્ટે ગુડોલ પાસે જઈને કહેલું, ‘તમે સ્કૂલમાં ભણાવવાનું જ ચાલુ રાખો. ક્રિકેટમાં તમને કંઈ ભાન જ નથી પડતી.’

cricket news sports news sports