ડ્વેઇન બ્રાવોની પેટ્રિયેટ્સ બની સીપીએલ ચૅમ્પિયન

17 September, 2021 07:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં સેન્ટ લ્યુસિયા કિંગ સામે છેલ્લા બૉલમાં વિજયી રન ફટકારીને સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પેટ્રિયેટ્સની ટીમ પહેલી વખત જીતી ટ્રોફી, ડૉમિનિક ડ્રેક્સ બન્યો મૅન ઑફ ધ મૅચ

સીપીએલ ચૅમ્પિયન

છેલ્લા બૉલમાં વિજય મેળવી સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પેટ્રિયેટ્સની ટીમ પહેલી વખત કૅરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ની ટ્રોફી જીતી હતી. બુધવારે રાતે ડ્વેઇન બ્રાવોના નેતૃત્વવાળી ટીમે ત્રણ વિકેટે સેન્ટ લ્યુસિયા કિંગને હરાવી હતી. કિંગે પહેલાં ટૉસ જીતીને સેમી ફાઇનલ મૅચની જેમ જ બૅટિંગનો નિર્ણય લીધો હતો. મહત્ત્વના સમયે વિકેટ ગુમાવી હોવા છતાં કિંગ રોસ્ટન ચેસ અને રહકીમ કૉર્નવૉલના ૪૩-૪૩ રનની મદદથી ૭ વિકેટે ૧૫૯ રન કરી શક્યા હતા.

જવાબમાં ડૉમિનિક ડ્રેક્સે ૨૪ બૉલમાં ફટકારેલા ૪૮ રનને કારણે પેટ્રિયેટ્સની ટીમે મૅચના છેલ્લા બૉલમાં વિજયી રન ફટકારીને સફળતાપૂર્વક લક્ષ્યાંકને આંબ્યો હતો. કિંગે પોતાની બૅટિંગ દરમ્યાન ઇનિંગ્સની શરૂઆતમાં જ કૅપ્ટન ઍન્દ્રે ફ્લેચર અને માર્ક ડેયલને પાવર-પ્લેમાં જ ગુમાવી દીધા હતા. રહકીમ કૉર્નવૉલે કેટલાક શાનદાર શૉટ્સ ફટકાર્યા હતા. જોકે પેટ્રિયેટ્સે સ્પિનરોની મદદથી ત્રણ વિકેટ લઈને મિડલ ઑર્ડર દરમ્યાન પોતાની અસર વર્તાવી દીધી હતી. કિમો પૉલે છેલ્લે ૨૧ બૉલમાં ૩૯ રન કરીને પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો.

કિંગે શરૂઆતમાં જ ખતરનાક ખેલાડી ક્રિસ ગેઇલને બોલ્ડ કર્યો અને એવિન લુઇસ પણ કૅચઆઉટ થયો હતો. જોસુઆ ડા સિલ્યાવા અને શેરફેન રુથરફૉર્ડે ફરી ઇનિંગ્સને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ડ્વેઇન બ્રાવો સહિતની વિકેટ ઝડપથી પડી જતાં ૯૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ડ્રેક્સે ૬ બાઉન્ડરી સાથે પોતાનો સર્વોચ્ચ સ્કોર કરતાં પેટ્રિયેટ્સને જિતાડ્યું હતું.

sports sports news cricket news