ઘાટકોપર જૉલી જિમખાનામાં ક્રિકેટનું પુનરાગમન

19 October, 2021 04:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રથમ સ્પર્ધા જિમખાનાના સભ્યોની ૯ ટીમો વચ્ચે રમાઈ હતી

ઘાટકોપર જૉલી જિમખાનાનું મેદાન ૧૫ ઑક્ટોબરે સ્પર્ધાઓ માટે ફરી ખુલ્લું મૂકાયું એ પ્રસંગે રિબન કાપી રહેલા ચૅરમૅન રજનીકાંત શાહ. એ પ્રસંગે સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પરાગભાઈ, માનદ ખજાનચી નલિન મહેતા, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા તેમ જ મૅનેજિંગ કમિટીના તથા ક્રિકેટ સબ-કમિટીના મેમ્બરો પણ ઉપસ્થિત હતા.

ઘાટકોપર જૉલી જિમખાનામાં બે વર્ષના લાંબા સમયગાળા બાદ ક્રિકેટનું પુનરાગમન થયું છે. દર વર્ષની પરંપરા મુજબ શુક્રવાર, ૧૫ ઑક્ટોબરે દશેરાના શુભ અવસરે આ જિમખાનામાં ચૅરમૅન રજનીકાંત શાહ તથા સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પરાગભાઈ દ્વારા અન્ય કમિટી સભ્યો તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ક્રિકેટ સબ-કમિટીના ઇન્ચાર્જ તથા મૅનેજિંગ કમિટી મેમ્બર નિશિથ ગોળવાલાના આયોજન હેઠળ ક્રિકેટ મેદાનને સ્પર્ધા માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

પ્રથમ સ્પર્ધા જિમખાનાના સભ્યોની ૯ ટીમો વચ્ચે રમાઈ હતી. આઠ-આઠ ઓવરની આ ટેનિસ બૉલ ટુર્નામેન્ટ ૧૫ તથા ૧૭ ઑક્ટોબરે યોજાઈ હતી જેમાં મિહિર લાયન્સ ઇલેવને સુજય ટાઇગર્સ ઇલેવનના ૭૫ રનના લક્ષ્યાંકને માત્ર ૬.૨ ઓવરમાં પાર કરીને ૯ વિકેટના માર્જિનથી વિજય સાથે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.

સુજય શાહને બેસ્ટ બૅટર, તીર્થ શાહને બેસ્ટ બોલર અને હર્ષલ કારિયાને મૅન ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

sports sports news cricket news