૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં મેન્સ-વિમેન્સની ૬ ક્રિકેટ ટીમ ભાગ લેશે

11 April, 2025 02:06 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

બાવીસ નવી મેડલ ઇવેન્ટ્સ ઉમેરવામાં આવી, રેકૉર્ડ ૩૫૧ મેડલ ઇવેન્ટ્સ રમાશે. ૧૨૮ વર્ષ પછી લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ ૨૦૨૮માં ક્રિકેટની વાપસી થશે ત્યારે મેન્સ અને વિમેન્સ કૅટેગરીમાં ૬ ટીમ રમશે એ વાતની આયોજકોએ પુષ્ટિ કરી છે.

લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ ૨૦૨૮

૧૨૮ વર્ષ પછી લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ ૨૦૨૮માં ક્રિકેટની વાપસી થશે ત્યારે મેન્સ અને વિમેન્સ કૅટેગરીમાં ૬ ટીમ રમશે એ વાતની આયોજકોએ પુષ્ટિ કરી છે. ૧૯૦૦ બાદ આ મહાકુંભમાં સામેલ થનાર ક્રિકેટનું ફૉર્મેટ T20 રહેશે. દરેક ટીમ ૧૫ સભ્યોને પસંદ કરી શકે છે, કારણ કે પુરુષ અને મહિલા બન્ને માટે ૯૦-૯૦ પ્લેયર્સનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. ૨૦૨૮ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટ માટેની ક્વૉલિફિકેશન પ્રક્રિયાની હજી સુધી પુષ્ટિ નથી થઈ, પરંતુ યજમાન દેશ તરીકે અમેરિકાને સીધો પ્રવેશ મળવાની તૈયારી છે. બાકીની પાંચ-પાંચ ટીમો ક્વૉલિફિકેશન દ્વારા પોતાનું સ્થાન બનાવશે.

ક્રિકેટ સિવાય અન્ય ચાર રમતો બેઝબૉલ/સૉફ્ટબૉલ, ફ્લૅગ ફુટબૉલ, લેક્રોસ અને સ્ક્વૉશનો પણ ઑલિમ્પિક્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૨૮ની ઑલિમ્પિક્સ માટે બાવીસ નવી ઇવેન્ટ્સ સહિત રેકૉર્ડ ૩૫૧ મેડલ ઇવેન્ટ્સને મંજૂરી મળી છે, પરંતુ રમતવીરોની સંખ્યા ૧૦,૫૦૦ જ રહેશે. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર ટીમ-રમતોમાં મેન્સ અને વિમેન્સ પ્લેયર્સની સંખ્યા સમાન હશે. અન્ય રમતોની જેમ બૉક્સિંગમાં પણ પુરુષોની જેમ મહિલાઓની કૅટેગરીમાં પણ છને બદલે ૭ વજન-કૅટેગરીની મૅચ રમાશે. 

paris olympics 2024 Olympics international olympic committee cricket news sports news