07 January, 2026 10:13 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ક્રાન્તિ ગૌડ
ભારતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ફાસ્ટ બોલર ક્રાન્તિ ગૌડના પપ્પા મુન્ના સિંહને લગભગ ૧૩ વર્ષ બાદ પોલીસ વિભાગમાં જૉબ પાછી મળી છે. ૨૦૧૨માં ચૂંટણી વખતે ફરજ દરમ્યાન કથિત બેદરકારી બદલ મુન્ના સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મધ્ય પ્રદેશના રમતગમતપ્રધાન વિશ્વાસ સારંગે જાહેરાત કરી હતી કે ‘મુખ્ય પ્રધાન મોહન યાદવે રાજ્યની પ્રતિભાશાળી ક્રિકેટર ક્રાન્તિ ગૌડને ખાતરી આપી હતી કે તેના પપ્પાને ફરીથી નોકરી પર બોલાવવામાં આવશે. આ નિર્ણય માત્ર પરિવારને રાહત નથી આપતો; સરકારની સંવેદનશીલતા, ખેલાડીઓ પ્રત્યે આદર અને નિષ્પક્ષ અભિગમનું એ સ્પષ્ટ ઉદાહરણ પણ છે.’
બાવીસ વર્ષની ક્રાન્તિ ગૌડે સરકારનો આભાર માનતો લેટર જાહેર કર્યો હતો. એમાં લખ્યું હતું કે ‘મધ્ય પ્રદેશની આદિવાસી દીકરી તરીકે આજે હું આદર, સુરક્ષા અને આત્મીયતા અનુભવું છું. પપ્પાની જૉબ પાછી મળવાથી અમારા પરિવારને નવું જીવન, નવી આશા અને નવો આત્મવિશ્વાસ મળ્યાં છે. આ ફક્ત સહાય નથી, આદિવાસી પરિવારના આત્મસન્માન અને ભવિષ્યની પુનઃ સ્થાપના છે.’