07 May, 2026 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સના વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને બાવન બૉલમાં ૬ સિક્સર અને ૭ ફોર સાથે અણનમ ૮૭ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. જોકે આ સીઝનની ત્રીજી સેન્ચુરીથી તે માત્ર ૧૩ રન દૂર રહી ગયો હતો. સાથી ખેલાડી કાર્તિક શર્માએ ૩૧ બૉલમાં ૪૧ રન ફટકારતાં ચેન્નઈએ ૧૭.૩ ઓવરમાં જ મૅચ જીતી લીધી હતી. મૅચ બાદ પ્રેઝન્ટેશનમાં સંજુને જ્યારે સેન્ચુરી પૂરી ન કરી શકવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘સેન્ચુરી હંમેશાં સ્પેશ્યલ હોય છે. મનમાં સેન્ચુરી પૂરી કરવાની ઇચ્છા તો હતી પણ એ માટે મારે થોડુક સ્વાર્થી બનવું પડત. મારો સાથી ખેલાડી સારુ રમી રહ્યો હતો. અણનમ રહીને મૅચને ફિનિશ કરવી વધારે ખુશી અને આત્મવિશ્વાસ આપે છે. હજુ અમુક મૅચ બાકી છે. જોઈએ સેન્ચુરી ફરી ક્યારેક લગાવી શકું.’
વેસ્ટ ઇન્ડિયન સ્પિનર અકીલ હુસેન ધીમે-ધીમે IPLમાં લય મેળવી રહ્યો છે અને ચેન્નઈ સુપર કિંગ્સની ખરાબ શરૂઆત પછી કમબૅક કરાવી રહ્યો છે. ચેન્નઈ વતી આ સીઝનમાં અકીલે પાંચ મૅચમાં ૧૭.૧ ઓવરમાં એક મેઇડન સાથે કુલ ૭ વિકેટ લીધી છે. મુંબઈ સામેના જંગમાં પણ તેણે ૧૭ રનમાં ૪ વિકેટ ઝડપીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. અકીલના આ સીઝનના પર્ફોર્મન્સને જોતાં ચાહકોને લાગવા લાગ્યું છે કે ચેન્નઈને રવીન્દ્ર જાડેજાનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે. અકીલની ૪ ઓવરમાં મોટા ભાગની ઓવર પાવરપ્લેમાં જ જોવા મળે છે. તેની રન રોકવાની અને વિકેટ લેવાની ક્ષમતાને લીધે કૅપ્ટન હંમેશાં તેના પર ભરોસો કરતો હોય છે. અકીલના T20 ક્રિકેટના આંકડાઓ પણ સાબિત કરે છે કે તેણે હંમેશાં કૅપ્ટનના ભરોસાને સાર્થક કર્યો છે. અકીલ T20 ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ અને ૧૦૦ પ્લસ વિકેટ લેનાર એકમાત્ર સ્પિનર છે. તેણે ૨૧૪ T20 મૅચમાં ૭.૧૫ની ઇકૉનૉમી સાથે ૧૦૨ વિકેટ લીધી છે. આમાંથી ૪૦ વિકેટ તો તેણે T20 ઇન્ટરનૅશનલ મૅચોમાં લીધી છે. ૨૦૨૩ બાદની વાત કરીએ તો પાવરપ્લેમાં સ્પિનરની વિકેટના આંકડાઓ અકીલ ૭૪ વિકેટ સાથે ટૉપમાં છે. બીજા નંબરે ૫૪ વિકેટ સાથે શ્રીલંકન સ્પિનર મહીશ થીક્સાના છે.