13 May, 2026 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ
સોમવારે ધરમશાલાના મેદાનમાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે પંજાબ કિંગ્સ સામે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી હતી. જોકે નિયત સમયમાં પહેલી ઇનિંગ્સની ૨૦ ઓવર પૂરી ન કરવા બદલ અક્ષર પટેલને સીઝનનો પહેલો દંડ થયો છે. સ્લો ઓવર-રેટ બદલ ઑલરાઉન્ડર અક્ષર પટેલને ૧૨ લાખ રૂપિયાનો દંડ થયો છે. આ સીઝનમાં અગાઉ પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયર, ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ, કોલકાતા નાઇટ રાઇડર્સના અજિંક્ય રહાણે અને મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યાને પણ સ્લો ઓવર-રેટ બદલ દંડ થઈ ચૂક્યો છે. 2000 IPL રન પૂરા કર્યા અક્ષર પટેલે પોતાની ૧૭૪ મૅચમાં. પંજાબ સામે તેણે સીઝનની પહેલી ફિફ્ટી નોંધાવી હતી.
ધરમશાલામાં પંજાબ કિંગ્સ સામે દિલ્હી કૅપિટલ્સની ૧૯મી ઓવરમાં મેળવેલી જીતમાં યંગ ઑલરાઉન્ડર માધવ તિવારી છવાઈ ગયો હતો. પ્લેયર ઑફ ધ મૅચ બનેલા બાવીસ વર્ષના આ મીડિયમ-ફાસ્ટ બોલરે ૪ ઓવરમાં ૪૦ રન આપીને બે વિકેટ લીધી હતી. ૨૧૧ રનના રન-ચેઝ વખતે આઠમા ક્રમે રમીને તેણે બે ફોર અને એક સિક્સની મદદથી ૮ બૉલમાં અણનમ ૧૮ રન કર્યા હતા. મધ્ય પ્રદેશનો આ ખેલાડી ક્યારેય ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો નથી. મધ્ય પ્રદેશ પ્રીમિયર લીગની બે સીઝન અને યુથ ક્રિકેટમાં તેનું પ્રદર્શન જોઈને દિલ્હી કૅપિટલ્સે ૨૦૨૫માં તેને ૪૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મે ૨૦૨૫માં પંજાબ સામેની ધરમશાલાની મૅચમાં આતંકવાદી હુમલાના ડર વચ્ચે અટકેલી મૅચ તેની પહેલી IPL-ડેબ્યુ મૅચ હતી. જોકે પછી તેણે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામેની ટક્કરમાં પોતાની પહેલી IPL મૅચ રમીને માત્ર ૩ રન કર્યા હતા. ધરમશાલામાં તે ટુર્નામેન્ટની બીજી મૅચ રમ્યો હતો.