પહેલી વખત ત્રણ મૅચમાં મુંબઈના ત્રણ અલગ કૅપ્ટન

22 May, 2026 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ સમયે પુણે વૉરિયર્સ ​ઇન્ડિયાની ટીમ ત્રણ મૅચોમાં રૉસ ટેલર, ઍન્જેલો મૅથ્યુઝ અને ઍરોન ફિન્ચની આગેવાનીમાં મેદાન પર ઊતરી હતી.

હાર્દિક પંડયા

IPLના ઇતિહાસમાં મુંબઈની ટીમ પહેલી વખત ત્રણ મૅચમાં ત્રણ અલગ કૅપ્ટન સાથે મેદાન પર ઊતરી હતી. ૧૦ મેએ બૅન્ગલોર સામે સૂર્યકુમાર યાદવે, ૧૬ મેએ પંજાબ સામે જસપ્રીત બુમરાહે અને ૨૦ મેએ કલકત્તા સામે હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. IPLમાં આવી ઘટના એકમાત્ર ૨૦૧૩માં બની હતી. એ સમયે પુણે વૉરિયર્સ ​ઇન્ડિયાની ટીમ ત્રણ મૅચોમાં રૉસ ટેલર, ઍન્જેલો મૅથ્યુઝ અને ઍરોન ફિન્ચની આગેવાનીમાં મેદાન પર ઊતરી હતી. 

મુંબઈએ હાર્દિક પંડ્યાને રિલીઝ કરી દેવો જોઈએ, તે કલકત્તાનો કૅપ્ટન બની શકે છે : માઇકલ વૉન

છેલ્લી ત્રણ સીઝનથી મુંબઈ ઇન્ડિયન્સની આગેવાની કરી રહેલા હાર્દિક પંડ્યાના કૅપ્ટન્સી રેકૉર્ડને જોતાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને મોટું નિવેદન આપ્યું છે. માઇકલ વૉન કહે છે કે ‘ગુજરાત સાથે સતત બે સીઝન ફાઇનલમાં પહોંચ્યા બાદ મુંબઈમાં પાછા આવવાના હાર્દિકના નિર્ણયને હું હજી સમજી શક્યો નથી. રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવવાનો મુંબઈનો પ્રયોગ સફળ રહ્યો નથી. મુંબઈએ હાર્દિક પંડ્યાને આગામી સીઝન પહેલાં રિલીઝ કરી દેવો જોઈએ. એ મુંબઈ અને હાર્દિક બન્ને માટે સારું રહેશે. માત્ર ખેલાડી તરીકે મુંબઈ માટે રમવું પણ હાર્દિક પંડ્યા માટે મુશ્કેલ બનશે. જો તે કૅપ્ટન તરીકે રમવા માગતો હોય તો તેણે કલકત્તા સાથે જોડાવું જોઈએ. મુંબઈ હાર્દિક પંડ્યાને બદલે કલકત્તા પાસેથી કૅમરન ગ્રીનને પણ પોતાની ટીમમાં પાછો લાવવાનો વિચાર કરી શકે છે.’

દીપક ચાહર વિકેટની ઉજવણી અને ખરાબ ફીલ્ડિંગને કારણે ચર્ચામાં રહ્યો

બુધવારે કલકત્તા સામેની મૅચમાં મુંબઈનો ફાસ્ટ બોલર દીપક ચાહર વિકેટની ઉજવણી અને ખરાબ ફીલ્ડિંગને કારણે ચર્ચામાં રહ્યો હતો. તેણે ૩ ઓવરમાં ૨૩ રન આપીને એક વિકેટ લીધી હતી. કલકત્તા સામે પહેલી ઓવરના અંતિમ બૉલ પર ૧૦ રનના સ્કોર પર ફિન ઍલનને બોલ્ડ કર્યા બાદ તેણે રસપ્રદ ઉજવણી કરી હતી. વિકેટ લીધા બાદ તેણે ખિસ્સામાંથી કંઈ કાઢી રહ્યો હોય એવું નાટક કર્યું. ફૅન્સ અને ખેલાડીઓને લાગ્યું કે તે પણ ટ્રેન્ડ અનુસાર ચબરખીમાં કંઈ લખીને આવ્યો છે. ત્યાર બાદ તેણે હવામાં ખાલી હાથ દેખાડીને મેદાન પર રમૂજ ફેલાવી દીધી હતી. હાર્દિક પંડ્યાની ઓવરમાં બાઉન્ડરી તરફ આવી રહેલા કૅચને તેણે પકડ્યો નહોતો. તેને લાગ્યું કે સાથી ખેલાડી રૉબિન મિન્ઝ એ કૅચ પકડી રહ્યો છે. અંતે બૉલ બાઉન્ડરી પાસે જ પડ્યો અને મુંબઈએ રોવમૅન પૉવેલની વિકેટ લેવાની તક ગુમાવી હતી. કૉર્બિન બૉશની ઓવરમાં જ્યારે વિકેટકીપર રાયન રિકલ્ટને તેજસ્વી દહિયાનો કૅચ પકડ્યો ત્યારે પણ બેકાબૂ બનીને દોડતો દીપક ચાહર રિકલ્ટન સાથે અથડાયો હતો.

hardik pandya mumbai indians rohit sharma jasprit bumrah sports news sports cricket news