Sports Update : ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ખરીદી નવી લક્ઝરી કાર

24 August, 2026 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માએ પોતાના કાર ક્લેક્શનમાં નવી મર્સિડીઝ-બેન્ઝ ઈ-ક્લાસ ઉમેરી છે. આશરે ૯૦ લાખથી ૧ કરોડ રૂપિયાની આ કાર ખરીદ્યા બાદ દીપ્તિએ તેના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.

દીપ્તિ શર્મા

ભારતીય સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ પોતાના કાર ક્લેક્શનમાં નવી કાર ઉમેરી છે. દીપ્તિ શર્માએ હાલમાં એક નવી મર્સિડીઝ-બેન્ઝ ઈ-ક્લાસ ખરીદીને અેના ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કર્યા હતા. આ કારની કિંમત આશરે ૯૦ લાખથી ૧ કરોડ રૂપિયા છે. 
૨૮ વર્ષની દીપ્તિ શર્મા હાલમાં ૩૫૯ વિકેટ સાથે વિશ્વની નંબર વન મહિલા બોલર છે. વિમેન્સ ધ હન્ડ્રેડમાં દીપ્તિ શર્માએ હાલમાં સનરાઇઝર્સ લીડ્સ માટે ૧૦ મૅચમાં ૧૩ વિકેટ લેવાની સાથે ૬૯ રન કર્યા હતા. જોકે તેની ટીમ રનર-અપ રહી હતી. હવે દીપ્તિ શર્મા ૨૮ ઑગસ્ટથી શરૂ થતા એશિયા કપમાં ભારત માટે રમતી જોવા મળશે.

એશિયન ગેમ્સ માટે રમતગમત મંત્રાલયે ૪૯૨ ખેલાડીઓનાં નામને મંજૂરી આપી

રમતગમત મંત્રાલયે જપાનમાં આવતા મહિને શરૂ થનારી એશિયન ગેમ્સ માટે ૪૯૨ ખેલાડીઓની ટુકડીને મંજૂરી આપી છે. ટીમમાં સૌથી મોટો હિસ્સો અૅથ્લેટિક્સનો છે જેમાં ૭૩ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
એથ્લેટિક્સ ગ્રુપમાં ૩૫ પુરુષ અને ૩૮ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. એશિયન ગેમ્સમાં ભારત માટે ટોટલ ૨૬૫ પુરુષ અને ૨૨૭ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. જોકે મંત્રાલયે હજી સુધી ટીમ સાથે જનાર સપોર્ટ-સ્ટાફની યાદી જાહેર કરી નથી.
બૅડ્‍‍મિન્ટન માટે ૨૦ સભ્યો, બૉક્સિંગ માટે ૧૧ સભ્યો, ઈ-સ્પોર્ટ્‍સ સ્પર્ધા માટે ૧૫ ખેલાડીઓ અને બાવીસ રોવર્સને પણ એશિયન ગેમ્સ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.

સેરેના વિલિયમ્સ-કાર્લોસ અલ્કારાઝને US ઓપનની મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી

૨૩ વખતની ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ચૅમ્પિયન સેરેના વિલિયમ્સ અને ૨૩ વર્ષનો કાર્લોસ અલ્કારાઝ US ઓપન મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટ માટે ટીમ તરીકે રમશે. અમેરિકાની ૪૪ વર્ષની સેરેના વિલિયમ્સ ૨૦૨૨ પછી પહેલી વખત US ઓપનમાં વાપસી કરશે. જોકે તે સિંગલ્સ ઇવેન્ટમાં ભાગ લેશે નહીં. 
સેરેના વિલિયમ્સ અને કાર્લોસ અલ્કારાઝને વાઇલ્ડ કાર્ડ તરીકે આ ઇવેન્ટમાં એન્ટ્રી આપવામાં આવી છે. ૬ વખતની US ઓપન સિંગલ્સ ચૅમ્પિયન સેરેના વિલિયમ્સે અગાઉ ૧૯૯૮માં મેક્સ મિર્ની સાથે US ઓપન મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. એ જ વર્ષે તેણે વિમબ્લડનમાં પણ પોતાનું બીજું મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ હજી સુધી કોઈ પણ ડબલ્સ ટાઇટલ જીતી શક્યો નથી.  

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો સતત પચીસ લીગ સીઝનમાં ગોલ કરનાર જગતનો પહેલો ફુટબૉલર બન્યો

પોર્ટુગલના ૪૧ વર્ષના ફુટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ પોતાની કરીઅરનો ૯૭૭મો ગોલ કરીને મોટી સિદ્ધિ મેળવી હતી. ક્રિસ્ટિઆનો રોનાલ્ડો અલ-નાસર માટે અલ-રિયાદ સામેની મૅચમાં ૮૩મી મિનિટે ઊતર્યો હતો અને ટીમને ૪-૦થી જીત અપાવવામાં મદદ કરી હતી. ફુટબૉલની નવી ૨૦૨૬-’૨૭ની સીઝનની શરૂઆત તેણે શાનદાર અંદાજમાં કરી છે. 
ક્રિસ્ટિઆનો રોનાલ્ડો ૨૦૦૨-’૦૩થી ક્લબ ફુટબૉલ લીગ સીઝનથી સતત ગોલ કરી રહ્યો છે. રોનાલ્ડો સતત પચીસ લીગ સીઝનમાં ગોલ કરનાર પ્રથમ ફુટબૉલર બન્યો છે. તેણે સ્વીડનના ભૂતપૂર્વ ફુટબૉલર ઝ્લાટન ઇબ્રાહિમોવિચનો સતત ૨૪ સીઝનમાં ગોલ કરવાનો રેકૉર્ડ તોડ્યો છે. 

અભિષેક બચ્ચન-રાહુલ દ્રવિડે હૉકીના મેદાનમાં વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો

વેગનર સ્ટેડિયમમાં શનિવારે મેન્સ હૉકી વર્લ્ડ કપની બીજા રાઉન્ડની મૅચ દરમ્યાન યુરોપિયન T20 પ્રીમિયર લીગના સભ્યોએ હાજરી આપી હતી. નેધરલૅન્ડ્સ સામે ભારતને મળેલી ૧-૩ની હાર પછી અભિષેક બચ્ચન અને રાહુલ દ્રવિડ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મેદાન પર આવ્યા હતા. 
યુરોપિયન T20 પ્રીમિયર લીગનો માલિક અભિષેક બચ્ચન કહે છે કે ‘આ મારો પહેલો હૉકી વર્લ્ડ કપ છે. જોકે પહેલી મૅચમાં ભારતની હાર જોવા મળી એનાથી હું નિરાશ છું. મેં હંમેશાં હૉકીને નજીકથી અનુસરી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રમતમાં જે તાજગી અને ઊર્જા આવી છે અે જોવી અદ્ભુત છે. મારું માનવું છે કે હૉકી ખરેખર ખૂબ જ રોમાંચક રમત છે.’  

deepti sharma cricket news indian womens cricket team asian games us open cristiano ronaldo football portugal abhishek bachchan rahul dravid sports news sports