IPL ક્રિકેટર અભિષેક પોરેલની રેપ, ધમકી અને મારપીટના કેસમાં ધરપકડ

12 August, 2026 04:04 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલની રેપ, ધમકી અને મારપીટના આરોપોના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી મેડિકલ વિદ્યાર્થિનીએ લગ્નના બહાને સંબંધ બાંધવા અને અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

અભિષેક પોરેલ

પશ્ચિમ બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હી કૅપિટલ્સ માટે ૪ IPL સીઝન રમનાર અભિષેક પોરેલની રેપ, ધમકી અને મારપીટના કેસમાં ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. 
ફરિયાદી મેડિકલ વિદ્યાર્થિનીએ જૂન મહિનામાં આરોપ લગાવ્યો હતો કે અભિષેક પોરેલે લગ્નના બહાને તેની સાથે સંબંધ બાંધ્યો હતો, પછી અંગત ફોટો ફેલાવવાની ધમકી આપીને મારપીટ પણ કરી હતી.  
કલકત્તા હાઈ કોર્ટે હુગલીના મગરા પોલીસ સ્ટેશનને અભિષેક પોરેલના મોબાઇલ ફોન સહિત ઇલેક્ટ્રૉનિક ઉપકરણો જપ્ત કરવાનો અને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો એના પગલે આ ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સુનાવણી દરમ્યાન પોલીસે કોર્ટને જાણ કરી કે અભિષેક પોરેલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેને ચિનસુરાહ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અભિષેક પોરેલે ફરિયાદીને બંધક બનાવી, તેને ખોરાકથી વંચિત રાખી, તેને એકાંતમાં રાખી, જેના કારણે તે શારીરિક રીતે નબળી પડી અને યોગ્ય રીતે ચાલી શકતી નહોતી એવા ગંભીર આરોપો પણ ફરિયાદમાં શામેલ છે. 

ક્રિકેટ-કરીઅરનો રેકૉર્ડ

IPLમાં ૨૦૨૩થી અભિષેક પોરેલ દિલ્હી કૅપિટલ્સ માટે ૩૫ મૅચમાં ૧૪૫.૩૬ના સ્ટ્રાઇક-રેટથી ૭૬૯ રન ફટકારી ચૂક્યો છે. ટોટલ ૬૧ T20 મૅચમાં ૧૧ ફિફ્ટીને આધારે તેણે ૧૫૯૦ રન નોંધાવ્યા છે. 
અભિષેક પોરેલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૩૨ મૅચમાં ૧ સેન્ચુરી અને ૧૨ ફિફ્ટીના આધારે ૧૪૦૮ રન કર્યા છે. લિસ્ટ A ક્રિકેટની ૨૩ મૅચમાં તેણે બે સદી અને પાંચ ફિફ્ટીની મદદથી ૮૩૩ રન કર્યા છે.

Rape Case Crime News delhi capitals west bengal kolkata cricket news sports news sports