કૅચ પકડવાના ચક્કરમાં ઊંધા માથે જમીન પર પછડાયા બાદ દિલ્હીના લુન્ગી ઍન્ગિડીને લઈ જવો પડ્યો હૉસ્પિટલ

26 April, 2026 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી ઇનિંગ્સ દરમ્યાન રાહુલ વિકેટકીપિંગ છોડીને પૅવિલિયનભેગો થઈ ગયો હતો.

લુન્ગી ઍન્ગિડી ગઈ રીતે ઊંધા માથે પટકાયો અને પછી તેને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવો પડ્યો એનો ઘટનાક્રમ.

 પંજાબ કિંગ્સ સામેની મૅચમાં કૅચ પકડવાના ચક્કરમાં ઊંધા માથે જમીન પર પછડાયા બાદ દિલ્હી કૅપિટલ્સના સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીને હૉસ્પિટલ લઈ જવો પડ્યો હતો. સાંજે ૭.૩૦  વાગ્યે દિલ્હીની ટીમે અપડેટ આપી હતી કે ‘લુન્ગી ઍન્ગિડીની હાલત સ્થિર છે અને તેને ટૂંક સમયમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.’ ત્રીજી ઓવરમાં અક્ષર પટેલની બોલિંગ સામે પ્રિયાંશ આર્યએ પિચની સામેની તરફ શૉટ ફટકાર્યો હતો. ઊંચાઈ પર ગયેલા બૉલને પકડવા લુન્ગી ઍૅન્ગિડી ઊંધા પગે દોડવા ગયો અને ઊંધા માથે જમીન પર પછડાઈને ગુલાંટી ખાઈ ગયો હતો. જોકે આ દરમ્યાન તેના ગરદનના ભાગે ગંભીર ઇન્જરી થઈ હતી. પંજાબના ફિઝિયોથેરપિસ્ટ અને અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર મેડિકલ ટીમે ઑલમોસ્ટ ૨૦ મિનિટ સુધી મેદાન પર જરૂરી સારવાર આપ્યા બાદ અને વાતચીત કર્યા બાદ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા હતા. મેદાન પર ઍમ્બ્યુલન્સ બોલાવીને તેને હૉસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. તેણે મૅચમાં એક પણ ઓવર ફેંકી નહોતી. પંજાબના શશાંક સિંહ અને દિલ્હીના કે. એલ. રાહુલે પણ બપોરના સમયે રમાયેલી આ મૅચમાં અસ્વસ્થતા અનુભવી હતી. બીજી ઇનિંગ્સ દરમ્યાન રાહુલ વિકેટકીપિંગ છોડીને પૅવિલિયનભેગો થઈ ગયો હતો.

IPL 2026 delhi capitals punjab kings sports sports news cricket news